અમરેલી

સાવરકુંડલામાં શરદપૂનમના પાવન દિવસે મશરૂ પરિવાર દ્વારા સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

સાવરકુંડલા શહેરમાં શરદપૂનમના પાવન દિવસે મશરૂ પરિવાર દ્વારા સમગ્ર સાવરકુંડલાના રઘુવંશી જ્ઞાાતિના લોકો માટે બપોરે અહીંની લોહાણા મહાજન વાડીમાં સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. સાવરકુંડલા લોહાણા મહાજન સમેત તમામ રઘુવંશી સંગઠનો દ્વારા આ કાર્યને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. આમ તો મશરૂ પરિવારના સભ્યો પૈકી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધર્મેશ રમેશભાઈ મશરૂને આવો સમૂહ જ્ઞાતિ ભોજનનો વિચાર કેમ આવ્યો તે અંગે સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીએ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે પોતાને ઘણા સમયથી ઇચ્છા હતી કે આપણે જ્ઞાતિ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને કેવો આનંદ પ્રાપ્ત કરીએ છીએ. તો આવો અમૂલ્ય લ્હાવો અને જ્ઞાતિના લોકોને ભોજન કરાવવાની તક અમને પણ મળે વળી હાલ તહેવારોનો માહોલ હોય તેમાં પણ ખાસ કરીને શરદપૂર્ણિમા એટલે તો સમગ્ર ભારત વર્ષનો સૌથી શ્રેષ્ઠ સમય હોય આ ભોજન પ્રસાદની તક ઝડપી લીધી. સમગ્ર રઘુવંશી સમાજ એક પગંતે જમતાં જોવા એ પણ જીવનનો અણમોલ લ્હાવો જ ગણાય.

સાવરકુંડલા શહેરમા રઘુવંશી સમાજના લોકોની સંખ્યા પણ ઘણી નોંધનીય છે. પરંતુ રઘુવંશી સમાજ રોટલે હમેશાં પહોળો રહ્યો છે. જલારામ બાપાની વિચારધારા ટુકડો ત્યાં હરિ ઢુકડો એ સંદર્ભમાં આવા સમૂહ જ્ઞાતિ ભોજન પણ વર્ષમાં આર્થિક રીતે પહોંચતાં લોકો દ્વારા યોજવામાં આવે છે. ગં. સ્વ. નીલાબેન છબીલભાઈ મશરૂ, ડો. અશોકભાઈ છબીલભાઈ મશરૂ, રમેશભાઇ ચત્રભૂજભાઈ મશરૂ, ધરમેશભાઈ રમેશભાઈ મશરૂ તથા મશરૂ પરિવાર દ્વારા યોજાયેલા આ સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસાદ કાર્યક્રમમાં રમેશભાઈ મશરૂએ એક નવી સિસ્ટમ (પ્રથા)નો ચિલો પાડેલ. આ ભોજન પ્રસાદ કાર્યક્રમ સંદર્ભે એકઠી થયેલી ખુશી ભેટની રકમ સાવરકુંડલા લોહાણા મહાજનની સંમતિથી સાવરકુંડલા શહેરમાં આવેલ જલારામ મંદિરના જીર્ણોદ્ધાર અંતર્ગત વાપરવામાં આવશે તેમ જાણવા મળેલ. એક મુલાકાતમાં લોહાણા મહાજન અગ્રણી ઘનશ્યામભાઈ મશરૂએ પણ સમગ્ર લોહાણા મહાજન તથા સલંગ્ન સંસ્થા વતી દાતાશ્રીઓનો હાર્દિક આભાર માન્યો હતો.

આ સમગ્ર કાર્યક્રમના દાતાશ્રીઓનો પણ લોહાણા મહાજન સાવરકુંડલા અને સંલગ્ન સંસ્થા દ્વારા હાર્દિક સ્વાગત પણ કરવામાં આવેલ. આમ ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. આગામી સમયમાં પણ અન્ય દાતાશ્રીઓ દ્વારા આવા આયોજનો થાય તેવી પ્રેરણા જ્ઞાતિ સંગઠનના હિતમાં ઈચ્છનીય છે. સાવરકુંડલા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ માધવાણી, વિજયકુમાર વસાણી, હસુભાઈ વડેરા, રાજુભાઈ શીંગાળા, કાનાભાઇ મશરૂ સમેત લોહાણા મહાજન અગ્રણીઓએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરૂં પાડેલ. આ સમૂહ ભોજન પ્રસાદમાં સાવરકુંડલા રઘુવંશી અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, હસુભાઈ સૂચક જેવા સન્માનનીય રઘુવંશી અગ્રણીઓએ હાજર રહી પ્રસાદ ગ્રહણ કરેલ.

Related Posts