fbpx
ગુજરાત

સુરતના ઉધનામાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો

સુરતમાં સવારના સમયે પણ વરસાદ યથાવત્‌ રહ્યો હતો. એને કારણે સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને વરસતા વરસાદમાં જવાની ફરજ પડી હતી. લોકોએ વરસાદથી બચવા માટે ઓવરબ્રિજ નીચે સહારો લીધો હતો, જેને કારણે આસપાસના વિસ્તારોમાં તથા રસ્તાઓ ઉપર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. ભારે વરસાદને કારણે ઉધના ગરનાળામાં પાણી ભરાઈ ગયાં હતાં, જેને કારણે વાહનચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે બીજી તરફ કાદરશાની નાળ, અમરોલી, કતારગામ, ડભોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ભારે વરસાદ આજે શનિવારે પણ અવિરત ચાલુ રહેતાં શહેરમાં અનેક રોડ ઉપર પાણી ભરાઇ જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. જિલ્લામાં પણ ભારે વરસાદથી શહેરમાંથી પસાર થતી પાંચેય ખાડીનાં લેવલ વધી ગયાં હતાં. મીઠીખાડી અને સીમાડાખાડી ભયજનક સપાટી નજીક પહોંચી જતાં પાલિકાનું તંત્ર એલર્ટ થઇ ગયું છે. કોઝવેની સપાટી ૪.૪૫ મીટરથી ૫.૭૨ મીટર પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે કોઝવેની ભયજનક સપાટી ૬ મીટર છે. ભયજનક સપાટી વટાવી ગયા બાદ કોઝવેનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવે છે. હવામાન વિભાગે આગામી ૫થી ૬ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ૪ જુલાઈ સુધી હ?ળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આકાશ સંપૂર્ણપણે વાદળછાયું રહેવાની શક્યતા છે. પવનની ઝડપ ૨૨થી ૨૩ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

શહેરમાં ૫ સ્થળે શોર્ટસર્કિટ થયું હતું. ભાગા તળાવ જનતા માર્કેટમાં, બેગમપુરા ખરાડી શેરી, વેડરોડ ધ્રુવતારક સોસાયટી, મોટા વરાછામાં દુર્ઘટના સર્જાઈ હતી. ઉધના તેરાપંથ ભવન ભગવતી સોસાયટીમાં મોટરમાં સામાન્ય આગ લાગી હતી. શહેરમાં ૨૦થી વધુ ઝાડ પડવાના કોલ મળતાં ફાયર વિભાગ સતત દોડતો રહ્યો હતો. નાવડી ઓવારો, જમરૂખ ગલી, સગરામપુરા સિમગા સ્કૂલ પાસે, ભટાર કાપડિયા હેલ્થ ક્લ્બ પાસે, પનાસ ગામ વગેરે વિસ્તારોમાં ઝાડ પડ્યાં હતાં.સુરતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે સાંબેલાધાર વરસાદ વરસવાનું યથાવત્‌ રહ્યું છે. ગત રોજ સવારે ૬થી આજના ૧૦ વાગ્યા સુધીમાં ઉધનામાં ૮ અને વરાછામાં ૬ ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન તરબતર થઈ ગયું છે. સુરત શહેર સાથે જિલ્લામાં પણ ભારે વરસાદને પગલે સુરત સિટીમાંથી પસાર થતી પાંચેય ખાડી અને કોઝવે ઓવફ્લો થવાના આરે છે. હજુ વધુ વરસાદ પડે તો ખાડી અને કોઝવે ભયજનક સપાટી વટાવી શકે છે, જેને પગલે પાલિકાતંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

Follow Me:

Related Posts