સુરતમાં ઉધના પોલીસ સ્ટેશન જાહેરમાં જન્મદિવસની કેક કાપી ઊજવણી કરાઇ
કોરોનાની મહામારી વચ્ચે પણ કાયદાઓનો છડેચોક ઉલ્લંઘન કરીને જાહેરમાં જન્મ દિનની ઉજવણીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉધના પોલીસ સ્ટેશન પાસે જાહેરમાં જન્મ દિનની કેક કાપીને ઉજવણી કરવામાં મશગુલ ઈસમો પૈકી એક પણ વ્યક્તિએ માસ્ક પણ પહેર્યું ન હોવાને કારણે ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. જાેકે સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ તાયફામાં ભાજપના પૂર્વ પ્રદેશ આઈટી સેલ સાથે સંકળાયેલા કાર્યકરનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.
ગત રોજ ઉધના પોલીસ સ્ટેશન નજીક મિલિન્દ પાટીલ નામના વ્યક્તિની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. રસ્તા પર કેક કાપીને ઉજવણી કરવામાં ભાન ભૂલેલા આ લોકોએ કોવિડ-૧૯ની ગાઈડ લાઈન્સનો ધરાર ભંગ કરીને તસવીરો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. જેથી આખે આખું પ્રકરણ બહાર આવ્યું છે.
આ અંગે વધુ તપાસ હાથ ધરતાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ આઈટી સેલના મંત્રી સહિતના લોકો દ્વારા પોતાના મિત્ર મિલિન્દ પાટીલની જાહેરમાં જન્મ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં એકપણ ઈસમે માસ્ક પહેર્યા વગર ફોટો સેશન કરાવ્યું હતું અને બાદમાં આ તમામ ફોટાઓ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. અગાઉ પુણા પોલીસ મથકના કર્મચારી દ્વારા પણ ફાર્મ હાઉસમાં બિન્ધાસ્ત જન્મ દિનની પાર્ટીના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ભારે હોબાળો થવા પામ્યો હતો.
સુરતમાં એક બાદ એક મોડી રાતે થતા કાર્યક્રમોના વીડિયો સામે આવી રહ્યા છે. લોકોને કોઈ ગંભીરતા ન હોય તેવાં દૃશ્યો સુરત શહેરમાં સતત સામે આવી રહ્યાં છે. લોકો રાત્રી કફ્ર્યૂ અને જાહેરમાં ઉજવણી કરતા સતત સામે આવી રહ્યા છે. જે પોલીસ માટે પણ એક મોટો પડકાર બની રહ્યો છે.
Recent Comments