રશિયાની સ્પુતનીક વેકસીન હવે સુરતમાં પણ ઉપલબ્ધ થઇ છે. શહેરના ચાલીસ લોકોએ સ્પુતનીક વેકસીન મુકાવી હતી. હાલમાં ફકત કિરણ હોસ્પિટલ પાસે જ સ્પુતનિક વેકશીનનો ડોઝ ઉપલબ્ધ છે. પાલિકા સંચાલીત વેકસીન કેન્દ્રો પર મુખ્યત્વે કોવીશિલ્ડ વેકસીન મુકવામાં આવે છે.
પાલિકાના આરોગ્ય ખાતાના જણાવ્યા અનુસાર હાલમાં ફકત કિરણ હોસ્પીટલ પાસે સ્પુતનીક વેકસીનનો ડોઝ ઉપલબ્ધ છે. અન્ય ખાનગી હોસ્પીટલમાં કોવીશિલ્ડનો ડોઝ મુકવામા આવે છે. આજે કિરણ હોસ્પીટલમાં સ્પુતનીક વેકસીનના ચાલીસ ડોઝ મુકવામાં આવ્યા હતા જયારે ખાનગી હોસ્પીટલમાં ૮૦૨ લોકોએ કોવીશિલ્ડના ડોઝ મુકાવ્યા હતા.
આજે ફરી એક વખત પૂણામાં વેકસીન માટે લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. વેકસીન કેન્દ્રો ઓછા હોવાથી ફકત ૧૭૯૨૭ લોકોને વેકસીન મુકવામાં આવી હતી. આજરોજ સેન્ટ્રલ ઝોનમાં ૨૨૩૧, વરાછા ઝોનમાં ૨૩૬૩, સરથાણા ઝોનમાં ૨૧૭૬, રાંદેર ઝોનમાં ૨૩૬૩, કતારગામ ઝોનમાં ૨૧૦૯, લિબાયત ઝોનમાં ૨૧૦૯, ઉધના ઝોનમાં ૨૦૮૯ અને અઠવા ઝોનમાં ૨૪૫૩ લોકોને રસી મુકવામા આવી હતી.
આવતીકાલ માટે વેકસીનનો વધુ જથ્થો પ્રાપ્ત થયો હોવાથી પાલિકાએ વેકસીન કેન્દ્રોની સંખ્યા વધારીને ૧૬૨ કરી છે. દરેક વેકસીન કેન્દ્ર પર ૧૭૫ લોકોને વેકસીન મુકવામાં આવશે. બીજા ડોઝ માટે ભારે ધસારો હોવાથી પાલિકાએ પહેલા ડોઝ અને બીજા ડોઝના કેન્દ્રો અલગ અલગ કરી દીધા છે. જે લોકોને કોવીન પોર્ટલ પરથી એસએમએસ આવ્યો હશે તેવા લોકોને બીજા ડોઝ માટે અગ્રીમતા આપવામાં આવશે.


















Recent Comments