ગુજરાત

સુરતમાં પૈસાની લેતી-દેતીમાં ઇસમે ચપ્પુ-ધોકા વડે બે લોકોને માર મારતા ખળભળાટ

સુરતના કોરોના સંક્રમણ વચ્ચે માંગરોળમાં જાહેરમાં મારામારીનો એક વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. માંગરોળના મોટા બાસરા વિસ્તારમાં રૂપિયાની લેતીદેતીમાં એક ઈસમે ચપ્પુ અને ધોકા વડે માર મારીને બે લોકોને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. આ મારામારીનો લાઈવ વીડિયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોનાના કહેર વચ્ચે આ પ્રકારની ઘટના ખૂબ ગંભીર કહી શકાય. આ બનાવ બાદ પોલીસના પેટ્રોલિંગ અને કોરોના કામગીરી વચ્ચે ગુનાખોરી પર કાબૂ હોવાના પોલીના તમામ દાવા પોકળ સાબિત થયા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે, તો બીજી તરફ સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. સુરત શહેરની સાથે સાથે સુરત જિલ્લામાં કોરોનાએ કહેર મચાવ્યો છે ત્યારે માંગરોળનો એક હચમચાવી દેનારો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

માંગરોળ નજીકની જીઆઈડીસી વિસ્તારમાં રૂપિયાની લેતીદેતી મામલે એક ઈસમે ચપ્પુ અને પાઇપના સપાટા મારીને બે લોકોને લોહીલુહાણ કરી નાંખ્યા હતાં. બંને ઈસમોને માર મારી જમીન પર ઢાળી દેવામાં આવ્યાં હતાં. સ્થાનિક લોકો પણ આ અંગે કંઈ કરી શક્યા ન હોય તેમ જાણવા મળી રહ્યું છે.

બંને ઈસમોને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કંપનીમાં કામ કરતાં માસ્તરે પોતાના કારીગરોને રૂપિયા આપ્યા હોય કે લીધા હોય તે રૂપિયાની લેતીદેતીમાં બંનેને જાહેરમાં માર મારવાની ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી. બાદમાં બંનેને લોહી નિગળતી હાલતમાં સારવાર અર્થએ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

માર મારવાની ઘટનાની જાણ પોલીસને થતાં ૧૦૮ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ૧૦૮ એમ્બ્યુલન્સમાં બંનેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધારે તપાસ શરૂ કરી છે.

Related Posts