સુરત: મહારાષ્ટ્રમાં 1.88 કરોડની ચંદનચોરી કરનાર ને સુરત ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો
મહારાષ્ટ્રમાં નાર્લાની વાડી ખાતે રૂ. 1.88 કરોડના રક્ત ચંદનની થયેલી તસ્કરી કેસમાં છેલ્લા દોઢ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સુરતમાંથી ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો આરોપી વર્ષ 2015 માં પણ રક્ત ચંદનની તસ્કરીમાં પકડાયો હતો.
સુરત ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીગમાં હતી તે દરમ્યાન માહિતી મળી હતી કે, મહારાષ્ટ્ર નાર્લાની વાડી ખાતે રૂ. 1.88 કરોડના રક્ત ચંદનની થયેલી તસ્કરી કેસમાં સંડોવાયેલો આરોપી સુરત શહેરમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટીમ બનાવી અઠવાલાઈન્સ પાસેથી આરોપી અફઝલ ઉસ્માન મેમણને ઝડપી પાડ્યો હતો.
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2020 સપ્ટેમ્બર મહિનામાં રાયગઢ જિલ્લા એલ.સી.બી.ને મહારાષ્ટ્ર નાર્લાની વાડી ખાતેથી ચોરી કરેલા રક્ત ચંદન સંતાડી રાખેલા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના માણસોને સાથે રાખી રેડ કરતા ત્યાંથી 1.88 કરોડના રક્ત ચંદનનો મુદામાલ કબજે કર્યો હતો. ચોરી કરેલા રક્ત ચંદન આરોપીઓ બેંગ્લોર તથા હૈદરાબાદ ખાતે વેચાણ અર્થે મોકલવાના જ હતા. તે દરમ્યાન રાયગઢ જિલ્લા એલ.સી.બી. તથા ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટની રેડ પડી હતી.
આ કેસમાં હાલમાં ઝડપાયેલો આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો અને તે છેલ્લા દોઢ વર્ષથી ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હતો. એટલું જ નહી આરોપી વર્ષ 2015 માં પણ રક્ત ચંદનની તસ્કરીના ગુનામાં પકડાયો હતો. હાલ ડીસીબી પોલીસે તેની ધરપકડ કરી તેનો કબજો મહારાષ્ટ્ર નેરોલ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી હતી.
Recent Comments