સુશાંત ડ્રગ્સ કેસઃ એનસીબીએ દાખલ કરી ૩૦,૦૦૦ પાનાની ચાર્જશીટ, આરોપીઓમાં ૩૩ના નામ

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસની આગ હજુ સંપૂર્ણ રીતે ઠંડી પડી નથી. આ કેસની તપાસ સતત ચાલી રહી છે અને આજે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સ કનેક્શન કેસમાં (કેસ નંબર ૧૬/૨૦) કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એનસીબીના ચીફ સમીર વાનખેડે પોતે ચાર્જશીટ ફાઇલ કરવા માટે કોર્ટમાં પહોંચ્યા છે. જણાવી દઇએ કે તેને એનસીબીની ભાષામાં કમ્પેંટ કહેવાય છે અને પોલીસની ભાષામાં ચાર્જશીટ કહેવામાં આવે છે.
હજારો પાના (૩૦ હજારથી વધુ પાના)ની આ ચાર્જશીટ આજે એનસીબી દ્વારા કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ પુરાવા ૧૨ હજાર પાનાની હાર્ડ કોપી અને સીડીમાં આપવામાં આવ્યા હતા. એનસીબી મુંબઇ યુનિટ દ્વારા આજે બોલીવુડ ડ્રગ્સ કનેક્શન કેસમાં કોર્ટમાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. જણાવી દઇએ કે સુશાંત કેસની તપાસ દરમિયાન ઇડીને ડ્રગ્સ સંબંધિત ચેટ મળી હતી, ત્યારબાદ ઇડીએ ચેટને એનસીબીને સોંપી હતી. આ પછી, આ કેસમાં એનસીબીની એન્ટ્રી થઈ હતી અને તપાસ ખૂબ જ ઝડપથી આગળ વધી હતી.
કબજે કરાયેલા ડ્રગ્સ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસના ફોરેંસિક રિપોર્ટ તથા સાક્ષીઓના નિવેદનના આધારે આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. એનસીબીની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ ૩૩ લોકોના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાંથી રિયા, શોવિક, દિપેશ સાવંત, સેમ્યુઅલ મીરાંડા અને ક્ષિતિજ પ્રસાદ છે. ચાર્જશીટમાં આરોપી તરીકે રિયાની નજીકના લોકો અને ડ્રગ પેડલરના નામનો પણ સમાવેશ થાય છે. આ તમામની એનસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
Recent Comments