બોલિવૂડ

સુસ્મિતા ટ્રાન્સજેન્ડર મહિલા ગૌરી સાવંતનાનું પાત્ર નિભાવશે

ઓટીટી પ્લેટફોર્મ પર સુસ્મિતાનું ગ્રાન્ડ કમબેક ચર્ચામાં રહ્યું છે. ઓટીટી પ્લેટફોર્મ પર એક્શન ડ્રામા સિરીઝ ‘આર્યા’માં તેણે શાનદાર અભિનય સાથે ઓડિયન્સની વાહવાહી લૂંટી હતી. સુસ્મિતા સેન ફરી એકવાર તેની ગ્લેમર ઈમેજથી હટીને તેની આગામી વેબ સિરીઝમાં નવો પ્રયોગ કરવા જઈ રહી છે. સુસ્મિતા તેની અનટાઈટલ્ડ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર મહિલાનું પાત્ર નિભાવવાની છે અને આ વેબ પ્રોજેક્ટને મરાઠી ફિલ્મ મેકર રવિ જાધવ ડિરેક્ટ કરી રહ્યા છે. આ વેબ સિરીઝ ટ્રાન્સજેન્ડર મહિલા ગૌરી સાવંતના જીવન પર આધારિત હોવાનું સામે આવ્યું છે. આ વેબ સિરીઝને છ અલગ-અલગ એપિસોડ્‌સમાં પૂરી કરવામાં આવશે અને ગૌરી સાવંતની લાઈફ જર્નીમાં આવેલા અવરોધો દર્શાવવામાં આવશે.

એક ટ્રાન્સજેન્ડર મહિલા કઈ રીતે ભારતની સૌ પ્રથમ ટ્રાન્સજેન્ડર માતા બને છે તે આ વેબ સિરીઝની વાર્તાનું મુખ્ય મૂળ રહેશે. આ સાથે જ, ગૌરીએ એડોપ્ટ કરેલા બાળકી સાથેનું તેનું કનેક્શન પણ દર્શાવવામાં આવશે. સુસ્મિતા આ ભૂમિકા ભજવવા માટે ઉત્સુક હોવાનું સામે આવ્યું છે અને તે આવા જ કોઈક ચેલેંજિંગ પાત્રની તલાશમાં હતી તેવું તેનું કહેવું છે.   સુસ્મિતાને અનોખા લૂક અને અવતારમાં રજૂ કરનારી આ  વેબ સિરીઝનું શૂટિંગ આગામી નવેમ્બર મહિનામાં પૂરું થાય તેવી શક્યતા છે અને ત્યારબાદ, સુસ્મિતા તેની સુપર હિટ સિરીઝ ‘આર્યા’ના ત્રીજા ભાગના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ સાથે જ, સુસ્મિતા મીની ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થનારી એક બાયોપિક માટે પણ ચર્ચામાં હોવાનું સામે આવ્યું છે.

Related Posts