સોનુ સૂદે કર્ણાટકના મુખ્યમંત્રીને અરબ સાગરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે કરી અપીલ
લૉકડાઉન તથા કોવિડ અસરગ્રસ્તોની સતત મદદ કરીને લોકોની નજરમાં મસીહા બનેલો એક્ટર સોનુ સૂદ તાઉ તે વાવાઝોડામાં ફસાયેલા લોકોની સહાયતા માટે આગળ આવ્યો છે. હાલમાં જ સોનુ સૂદે સો.મીડિયામાં કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાને મેસેજ કરીને અરબ સાગરમાં ફસાયેલા લોકોનો જીવ બચાવવા માટે અપીલ કરી હતી.
સોનુએ અરબ સમુદ્રની વચ્ચે ફસાયેલા લોકોની તસવીર શૅર કરીને કહ્યું, ‘આપણે તાઉ તે વાવાઝોડાની વચ્ચે અરબ સમુદ્રમાં ફસાયેલા આ લોકોને બચાવવાની જરૂર છે. મુખ્યમંત્રી સર તમને વિનંતી છે કે આ કિંમતી જીવનને બચાવવા માટે મશીનરીને સક્રિય કરો.’
કોવિડ સંકટની વચ્ચે સોનુ સૂદે હાલમાં જ દર્દીઓ માટે એક ખાસ સર્વિસ શરૂ કરી છે. આ સર્વિસ ખાસ દિલ્હીના લોકો માટે છે. આ સર્વિસ હેઠળ સોનુ સૂદ ઓક્સિજન કન્સન્ટ્રેટર દર્દીઓ સુધી પહોંચાડે છે. સોનુએ આ માટે એક નંબર પણ જાહેર કર્યો છે. આ નંબર પર ફોન કરીને ઓક્સિજન કન્સન્ટ્રેટર મગાવી શકાય છે. ખાસ વાત એ છે કે આ માટે દર્દીઓએ કોઈ રૂપિયા આપવા પડશે નહીં.
હાલમાં જ અનેક સો.મીડિયા યુઝર્સે સોનુ સૂદને ફ્રોડ ગણાવીને તેને ટ્રોલ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે, આમાં કેટલાંક બોલિવૂડ સાથે જાેડાયેલા લોકો પણ હતા. સોનુએ એક ઈન્ટરવ્યૂમાં આ તમામને જડબાતોડ જવાબ આપ્યો હતો.
સોનુના મતે, કેટલાંક લોકો આ વાત હજમ કરી શકતા નથી કે તે કોઈ પણ એજન્ડા વગર કેવી રીતે લોકોની મદદ કરે છે. કોઈ તેને ફ્રોડ કહે તે એવું જ છે, જે રીતે ભ્રષ્ટ અધિકારીઓ હંમેશાં ઈમાનદાર અધિકારીઓને હેરાન કરે છે. જાેકે, તે આ બધી વાત પર ધ્યાન આપીને પોતાનો સમય બરબાદ કરવા માગતો નથી.
Recent Comments