હોમ આઈસોલેશનમાં રહી કોવીડ-૧૯ની સારવાર કરતા દર્દીઓની પડખે ખડેપગે અમરેલી વહીવટી તંત્ર
અમરેલી જિલ્લાના વિવિધ ગામોમાં અને શહેરી વિસ્તારોમાં કોવીડ -૧૯ થી સંક્રમિત થયેલા પરંતુ ઓછા લક્ષણો ધરાવતા દર્દીઓ ઘરે જ રહી પોતાની સારવાર કરી શકે છે. આવા દર્દીઓના સ્વાસ્થ્યની દરકાર કરતા જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ કોવીડ કેલ સેન્ટર ઉભી કરવામાં આવ્યુ છે. આ અંગે વધુ વાત કરતા જિલ્લા આયોજન અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી ડી. એ. ગોહિલ જણાવે છે કે ઘરે રહી સારવાર કરતા તમામ દર્દીઓને જિલ્લાની આયોજન કચેરી ખાતે કાર્યરત કોલ સેન્ટરમાંથી ફોન કરી તબિયતની સ્થિતિ અંગે પૃછા કરવામા આવે છે તેમજ જો જરૂર જણાય તો હોસ્પિટલમાં રીફર પણ કરવામાં આવે છે. આ કોલ સેન્ટરમાં અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓના શિક્ષણમિત્રો, પંચાયત કર્મીઓ તેમજ જિલ્લા અન્ય કચેરીઓનો સ્ટાફ આ કાર્યમાં સહભાગી થયો છે.
વધુમાં શ્રી ગોહિલએ ઉમેર્યું હતું કે હોમ આઇસોલેશનમાં દર્દીઓ માટે ૧૭ સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા દર્દીઓના ઘરે જઈને તેમના શરીરનું તાપમાન, ઓક્સિજન લેવલ, પલ્સ રેટ વગેરેની ચકાસણી કરવામાં આવે છે. આ ઉપરાંત આ ઇન્સ્પેક્ટરો દ્વારા કોવીડ પોઝિટિવ દર્દી કે તેના ઘરના વ્યક્તિઓ હોમ આઇસોલેશનનો ભંગ ન કરે તે પણ ધ્યાન રાખે છે. જો કોઈ વ્યક્તિ નિયમોનો ભંગ કરે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. જાહેર જનતાને પણ જો આવા હોમ આઇસોલેશનના નિયમોનો ભંગ કરતા વ્યક્તિઓ ધ્યાને આવે તો ૦૨૭૯૨ ૨૨૨૯૬૪ તથા ૨૨૩૬૫૮ ઉપર સંપર્ક કરવાનો રહેશે.
Recent Comments