૧૦૮ ની અમૂલ્ય એવી આરોગ્ય સેવા ભાવનગરના પાલિતાણાની મહિલા માટે મૂલ્યવાન સાબિત થઈ
આપત્તિ અને મુશ્કેલીના સમયમાં ૧૦૮ ની આકસ્મિક સેવા અનેકવાર જીવન પ્રદાયક સાબિત થતી રહી છે. તેનો એક કિસ્સો હાલમાં જ જોવા મળ્યો. જેમાં પાલીતાણાની એક મહિલાને અચાનક જ પ્રસવ પીડા ઉપડતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવી પડે તેમ હતી.
પાલીતાણા તાલુકાના ગરાજીયા ગામની ૨૫ વર્ષની સગર્ભા પ્રભાબેન સોલંકીનો કેસ મળતાં જ પાલીતાણા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી શ્રી કેવલ ડોડીયા અને પાયલોટ સંદિપસિંહ સોઢા તુરંત જ ગરાજીયા ગામ જવા માટે નીકળી ગયાં હતાં.
પાલીતાણાની હોસ્પિટલ સુધી પહોંચતા જ આ મહિલાને અચાનક પ્રસુતિના વધુ પ્રશ્નો પેદા થતાં તાત્કાલિક પ્રસૂતિ કરાવવી પડે તેવી સ્થિતિ હતી. તેથી સમયનો તકાજો જોઈને એમ્બ્યુલન્સમાં આ મહિલાની પ્રસૂતિ કરાવવામાં આવી હતી.
૧૦૮ ની સમયસૂચકતાને કારણે અને તાત્કાલિક સારવાર મળવાને કારણે માતા અને બાળકી બંનેનો જીવ બચાવી શકાયો હતો.
સગર્ભાના પતિશ્રી જયસુખભાઈ સોલંકી એ ૧૦૮ ની આ ત્વરિત કામગીરીને બિરદાવીને ૧૦૮ સેવાનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે, જો સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સારવાર કરવામાં ન આવી હોત તો બાળક સાથે માતાનો જીવ પણ જોખમમાં મુકાઈ જાત.
રાજ્ય સરકારની ૧૦૮ની સેવાનો અમારાં જેવાં અનેક પરિવારોને લાભ મળે છે તેમ જણાવીને તેમણે રાજ્ય સરકારની આ અમૂલ્ય એવી મૂલ્યવાન સેવાનો આભાર માન્યો હતો.
Recent Comments