અમરેલી જિલ્લાના ૬૪ કેન્દ્રો પર આગામી તા.૨૯ જાન્યુઆરી, ૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૧ વાગ્યા થી બપોરે ૧૨ વાગ્યા સુધી જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા યોજાશે. જિલ્લાના ૬૪ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાના સમય સવારે ૧૦:૩૦ કલાકથી બપોરે ૧૨: ૩૦ કલાક દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ સાથેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર ત્રિજ્યામાં આવેલા ઝેરોક્ષ/ફેકસનાં વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓના ઝેરોક્ષ તેમજ ફેકસ મશીનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રમાં મોબાઇલ ફોન લઇ જવા પર પ્રતિબંધ, પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા થવાં પર પ્રતિબંધ છે. પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ પરના સ્ટાફ કે અધિકૃત વ્યક્તિ સિવાય અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જાહેરનામાનો ઉલ્લંધન કરનારને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજાપાત્ર છે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવ્યા છે.
Recent Comments