૭ મિત્રોને કુલ્લુ મનાલીની ટ્રીપ કરવી ભારે પડી, વાદળ ફાટ્યું ને યુવકો પાણીમાં તણાયા
ભારતના લગભગ તમામ રાજ્યોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ભારતના હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સ્થિતિ જાેવા મળી રહી છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના કુલ્લુ મનાલીમાં વાદળ ફાટવાની ઘટનામાં માર્યા ગયેલા ૪ મિત્રોમાંથી એક ચૈત્ય સાંખલાનો મૃતદેહ રાજસ્થાનના બ્યાવરમાં લાવવામાં આવ્યો છે. નરેશ સાંખલાના પુત્ર ચૈત્યના મૃતદેહને લેવા તેમના સંબંધીઓ ગુરુવારે જ હિમાચલ પ્રદેશ જવા રવાના થયા હતા. ચૈત્ય સાંખલાનો મૃતદેહ બ્યાવર પહોંચતા જ શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતદેહના આવવાની માહિતી મળતાં જ ધારાસભ્ય શંકરસિંહ રાવત, કોંગ્રેસ નેતા મનોજ ચૌહાણ, કાઉન્સિલરો, માલી સમાજના પદાધિકારીઓ નરેશ સાંખલાના ઘરે પહોંચ્યા હતા. હાજર રહેલા દરેક વ્યક્તિએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.
કુલ્લુ મનાલીમાં થયેલા આ અકસ્માતમાં રાજસ્થાનના બ્યાવરના ૪ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ચારેય યુવકો તેના ૭ મિત્રો સાથે હિમાચલના કુલ્લુ મનાલી ફરવા ગયા હતા. કુલ્લુમાં થોડા દિવસો પહેલા ભારે વરસાદ પડ્યો હતો અને બાદમાં પૂર જેવી સ્થિતિ જાેવા મળી હતી. જે ૪ યુવકોના મોત થયા છે તેના નામ છે- લાલચંદ, સાહિલ, ચૈત્ય અને નરેન્દ્ર સિંહ તંવર. બાકીના ત્રણ યુવકોના નામ છે- નિતેશ પંડિત, સંદીપ સાંગલા અને અક્ષય કુમાવત. બ્યાવરના ૭ યુવા મિત્રોનું ગૃપ ૭ જુલાઈના રોજ કુલ્લુ-મનાલી ફરવા ગયું હતું. કુલ્લુ-મનાલી પહોંચતા પહેલા જ ત્યાં ભારે વરસાદ પડ્યો હતો અને વાદળ ફાટવાની ઘટના બની હતી. આ દુર્ઘટના બાદ તેઓનો પરિવારના સભ્યો સાથે સંપર્ક તૂટી ગયો હતો. તેમના સંબંધીઓએ અનેક પ્રયાસો કર્યા પરંતુ કોઈનો સંપર્ક થઈ શક્યો નહોતો. આ અકસ્માતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. ૭ લોકોમાંથી ૪ મિત્રોના મોતની પુષ્ટિ થતાં તમામ મિત્રોના સગાઓ હિમાચલ પ્રદેશ પહોંચી ગયા હતા. અકસ્માતમાં ગુમ થયેલા ત્રણ યુવકો વિશે હજુ સુધી જાણવા મળ્યા નથી અને તેની શોધખોળ ચાલુ છે.
Recent Comments