છત્તીસગઢમાં ૧૪ નક્સલીઓ ઠાર, છેલ્લા ૩૬ કલાકથી ચાલી રહી છે અથડામણ, સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા
છત્તીસગઢના ગરિયાબંદમાં છેલ્લા ૩૬ કલાકથી નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં કુલ ૧૪ નક્સલવાદીઓ માર્યા ગયા છે. સુરક્ષા દળોએ મોટાપ્રમાણમાં હથિયારો પણ જપ્ત કર્યા છે. કુલ્હાડીઘાટના ભાલુડિગ્ગીના પહાડો પર સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ જારી છે. અથડામણ બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ગઈકાલે બે નક્સલવાદીઓના શબ મળ્યા હતા. જેમાં એક મહિલા સામેલ હતી.
આજે સવારે વધુ ૧૨ નક્સલવાદીઓના શબ જપ્ત કરવામાં આવ્યા છે. અનેક ઓટોમેટિક હથિયારો પણ જપ્ત કર્યા છે. સૂત્રો અનુસાર, ઓડિશા સ્ટેટના નક્સલી ચીફ કે જેના માથે ૧ કરોડનું ઈનામ છે તે જયરામ ઉર્ફ ચલપતી પણ ઠાર થયો છે. સીસીએમ મનોજ અને ગુડ્ડુ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ અથડામણમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો છે. જેને એરલિફ્ટ કરી રાયપુર લાવવામાં આવ્યો છે. આ જાેઈન્ટ ઓપરેશન માં સામેલ લગભગ ૧ હજાર જવાનો નક્સલવાદીનો ખાતમો બોલાવી રહ્યા છે. ઓડિશા-છત્તીસગઢના સુરક્ષા દળોની કુલ ૧૦ ટીમે નક્સલવાદીઓ વિરૂદ્ધ જાેઈન્ટ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસમાં વધુ નક્સલવાદીઓના શબ મળવાની સંભાવના છે. હાલ જપ્ત કરવામાં આવેલા મૃતદેહોની ઓળખ થઈ રહી છે.
Recent Comments