રાજકોટ નજીકના નવાગામમાં ૨૦૨૨ની સાલમાં ૧૬ વર્ષની તરૃણી અને ૨૮ વર્ષના યુવાન વચ્ચે થયેલા લગ્ન બાબતે વર ઉપરાંત વર-કન્યાના માતા-પિતા અને ગોર મહારાજ સામે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સંતોષભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૨ના એપ્રિલ મહિનામાં બાળ લગ્ન થયા અંગેની અરજી થઇ હતી. જેની તત્કાલીન સમાજ સુરક્ષા અધિકારીએ તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતુ કે કન્યાની ઉંમર લગ્નના દિવસે ૧૬, ૧૧ માસ અને ૬ દિવસ હતી. જ્યારે વરની ઉંમર લગ્નના દિવસે ૨૮ વર્ષ, ૧૨ દિવસ હતી. આ લગ્ન નવાગામ ખાતે થયા હતા. જેની કંકોતરી પણ છપાવાઇ હતી. વર ઉપરાંત વર-કન્યા પક્ષના માતા-પિતા અને ગોર મહારાજ સહિતનાઓના નિવેદનો પણ લેવાયા હતા. જેના આધારે વરરાજા અશોકભાઇ મેટાળીયા, તેના પિતા દેવશીભાઈ, માતા જયાબેન કન્યાના પિતા અમરશીભાઈ કાનજીભાઈ રાઠોડ, માતા મંજુબેન અને ગોર મહારાજ મુકેશભાઈ લીલાધરભાઈ મહેતા ને આરોપી બનાવાયા છે. આ કેસના અનુસંધાને તપાસ કરનારાઓએ બંને પક્ષના સભ્યોના નિવેદનો, કંકોતરી, લગ્નના ફોટોગ્રાફસ સહિતના પૂરાવાઓ પણ કબ્જે કર્યા હતાં.
૧૬ વર્ષની તરૃણીના ૨૮ વર્ષના યુવાન સાથે લગ્ન, બાળ લગ્ન થયા અંગેની ફરિયાદ, છ સામે ગુનો નોંધ્યો

Recent Comments