ગુજરાત

સંવેદનશીલ, પારદર્શી અને પ્રજાલક્ષી શાસન દાયિત્વ માટેના જનસેવા પ્રકલ્પ ‘સ્વાગત’ના ૨૨ વર્ષસ્વાગત પ્રકલ્પ લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓના નિરાકરણનું અસરકારક માધ્યમ બન્યો છે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત”ની સફળતાના આજે ૨૨ વર્ષ પૂર્ણ થયા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલા જનફરિયાદ નિવારણના ટેકનોલોજીયુક્ત અભિગમ “સ્વાગત” કાર્યક્રમની સફળતાના ૨૨ વર્ષ પૂરા થયા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસન-ગુડ ગવર્નન્સની સાચી દિશા અપનાવી અને સૌને એ માટે પ્રેરિત કર્યા છે. તેમણે શરૂ કરાવેલો આ સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે

શ્રી નરેન્દ્રભાઈ દ્વારા હાથ ધરાયેલા સામાન્ય માનવી, ગરીબ વંચિત, ગ્રામીણ નાગરિકની આવી રજૂઆતો, ફરિયાદોના નિવારણના સુગ્રથિત આયોજન માટેના સફળ પ્રયાસોના પરિણામે “સ્વાગત”ની રાજ્યને ભેટ મળી છે.
દેશમાં જ્યારે ઓનલાઈન ફરિયાદ નિવારણ માટે ટેકનોલોજીના ઉપયોગની વાતો થતી હતી, ત્યારે તેમણે ૨૦૦૩માં ૨૪મી એપ્રિલના રોજ આ સ્વાગત ઓનલાઈનનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ શરૂ કરાવ્યો હતો એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ હતું.
ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. આ કાર્યક્રમ નાગરિકોની રોજિંદી ફરિયાદોનો ઝડપી, કાર્યક્ષમ અને સમયબદ્ધ રીતે ઉકેલ લાવવાનું ઉત્તમ માધ્યમ બન્યો છે તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ એપ્રિલ-૨૦૨૫ના ચોથા ગુરૂવારે યોજાયેલા આ રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી.
આ રાજ્ય સ્વાગતમાં મળેલી રજૂઆતો સંદર્ભે જણાવ્યું હતું કે, રાજ્યભરમાં યોજાતા સ્વાગત કાર્યક્રમમાં નાગરિકો પોતના વ્યક્તિગત પ્રશ્નોની સાથે જાહેરહિતના પ્રશ્નોને વાચા આપી રહ્યાં છે એ સુશાસનની જ ખરી દિશા છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સ્વાગતમાં શિક્ષણ, ખેડૂતોના પ્રશ્નો અન્વયે સોલાર પેનલ તેમજ પ્રાકૃતિક ખેતી અંગે ઉદ્યોગ સાહસિકતા સંસ્થા દ્વારા મેનેજમેન્ટ તાલીમ, જમીન રેકર્ડ વિસંગતતા તથા જમીન સંપાદન વળતર વગેરે જેવી અરજદારોની રજૂઆતોને રૂબરૂ સાંભળીને તે સંદર્ભમાં સંબંધિત તંત્રવાહકોને પ્રશ્નોના નિવારણ માટે પ્રો-એક્ટિવ અભિગમ અપનાવવા દિશાનિર્દેશો આપ્યાં હતા.
મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા રાજ્ય સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં નાગરિકો-અરજદારોએ પોતાની રજૂઆતો સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ દરમિયાન રજૂ કરી હતી.
સ્વાગત પહેલમાં સમયાંતરે નીતનવા આયામો જાેડાતા રહ્યાં છે એમાં ગત સુશાસન દિવસ ૨૫ ડિસેમ્બરે ઉમેરાયેલી ઓટો એસ્કલેશન સિસ્ટમ વધુ નાગરિકલક્ષી અભિગમ સાથે કાર્યરત કરવામાં આવી છે.
નાના માનવીની રજૂઆતો-સમસ્યાના ઉકેલ માટે શરૂ કરેલી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાને વૈશ્વિક સ્તરે પણ પ્રતિષ્ઠા મળી છે. આ માટે યુનાઈટેડ નેશન્સનો પબ્લિક સર્વિસનો ઈન્ટરનેશનલ એવોર્ડ, ભારત સરકારનો નેશનલ એવોર્ડ સહિતના ગૌરવ સન્માન સ્વાગતને પ્રાપ્ત થયા છે.
રાજ્યભરમાં તમામ સ્તરે યોજાયેલા એપ્રિલ-૨૦૨૫ના સ્વાગતમાં ૩૭૦૦થી વધુ અરજીઓ મળી હતી તેમાંથી ૫૦ ટકા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ લાવવામાં આવ્યા છે.
રાજ્યકક્ષાના આ સ્વાગત કાર્યક્રમમાં ૧૮૦ જેટલા અરજદારોની રજૂઆતોને મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા સાંભળીને યોગ્ય નિરાકરણ માટે કાર્યવાહી કરવામાં આવી હતી. આ પૈકી ૧૫ અરજદારોને મુખ્યમંત્રીશ્રીએ રૂબરૂમાં સાંભળ્યા હતા.
જિલ્લા કક્ષાએ કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમો પણ નિયમિતપણે યોજાય છે, તેમાં એપ્રિલ-૨૦૨૫ના સ્વાગતમાં વિવિધ નાગરિકોની કુલ ૧૧૯૩ જેટલી રજૂઆતો રૂબરૂ સાંભળીને તેના નિરાકરણ માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવી હતી.

Related Posts