અમરેલી

‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત અમરેલી ખાતે સાંસદની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો

ભારત દેશની આઝાદીના ૭૫મી વર્ષગાંઠ નિમિતે આજથી શરૂ થનારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે અમરેલીના દિલીપ સંઘાણી હોલ ખાતે સાંસદ શ્રી નારણભાઇ કાછડિયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ઓખાથી લઈને અરુણાચલ સુધી તમામ ભારતીયોની નજર ગુજરાત પર છે. આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાબરમતીના તટેથી દાંડી યાત્રા યોજી ભારતની આઝાદીના ૭૫ વર્ષના મહોત્સવનો પ્રારંભ કરી રહ્યા છે એ આપણા બધા માટે ગૌરવની વાત છે.

પૂર્વ પ્રધાનમંત્રીશ્રી સ્વ. શ્રી અટલજીને યાદ કરતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે અટલજીના શબ્દો છે કે ભારત કોઈ જમીનનો ટુકડો નથી ભારત એક જીવતો જાગતો રાષ્ટ્રપુરુષ છે. એ જીવતા જાગતા રાષ્ટ્રપુરુષ સમા આપણા દેશની આઝાદી માટે બલિદાનો-આહુતિઓ આપનારાઓને યાદ કરવાનો અવસર છે. સ્વતંત્રતા મનુષ્ય જાતિની મૂળભૂત ભાવના છે અને રાષ્ટ્ર ઉપર આપત્તિઓ આવી પડી હોય ત્યારે બલિદાન આપીને રાષ્ટ્રની આઝાદીનું રક્ષણ કરવાની વૃત્તિ પ્રાચીનકાળથી જોવા મળે છે.

ભારતના ભવિષ્યના પરિપેક્ષમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થશે ત્યારે દેશમાં એક નવી પેઢી તૈયાર થઇ ગઈ હશે અને આજે જન્મેલું બાળક ત્યારે ૨૫-૨૬ વર્ષનો યુવાન/યુવતી બની નવા ભારતમાં પોતાનું યોગદાન આપી રહ્યા હશે. આજનું બાળક આવતીકાલના નવા ભારતની ઈમારતનો પાયો છે.

અમરેલીના જાણીતા વક્તાઓ શ્રી રવજીભાઈ કાચા અને સુશ્રી મંદાકિનીબેન પુરોહિતએ મહાત્મા ગાંધીજીના જીવન અને મૂલ્યો વિષે વિસ્તારમાં વાતો કરી હતી. આઝાદીની લડતમાં અમરેલીનું યોગદાન તેમજ અમરેલીના યુગપુરૃષોનાં યોગદાન વિષે રસપ્રદ પ્રસંગોથી માહિતગાર કર્યા હતા. બંને વક્તાઓએ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં આઝાદીની વિભાવના સાકાર કરી હતી. આ ઉપરાંત સાંસદશ્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઉમંગરાય છાટબારનું સુતરની આંટી પહેરાવી સન્માન કર્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી જે. વી. કાકડિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર, પ્રાંત અધિકારીશ્રી સી. કે. ઉંધાડ તેમજ બહોળી સંખ્યામાં શિક્ષણવિદો, વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓ અને પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આઝાદીના અમૃત મહોત્સવનો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે સાબરમતી આશ્રમથી દેશવ્યાપી શુભારંભ કરાવ્યો. આ મહોત્સવ અન્વયે દેશમાં વિવિધ સ્થળોએ ૭૫ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Follow Me:

Related Posts