મહેસાણા ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરી કરતી ગેંગના બે સાગરીતોને ઝડપી પાડ્યા
મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ઘર ફોડ ચોરીઓની ઘટનાઓ બની હતી. આજે મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે છેલ્લા બે મહિનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. મહેસાણા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ૬ ચોરીઓ થઈ હતી. જેમાં ચોરી કરનાર ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકી દાહોદથી મહેસાણા કડિયાકામ માટે આવતી હતી અને સોસાયટીઓમાં ફરીને રેકી કરતી હતી. બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશી ઘર સાફ કરી ફરાર થઇ જતી હતી. પોલીસે ઝડપાયેલા ત્રણ શખ્સો પાસેથી ૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં ચોરીની ઘટનાઓને અટકાવવા અને તેનો ઉકેલ લાવવા પોલીસે ત્રણ ટીમો બનાવી હતી. ચોરોને ઝડપવા હ્યુમન સોર્સીસ અને ટેક્નિકલ સર્વેલન્સ આધારે વિગતો મેળવી તપાસ શરૂ કરી હતી. મહેસાણા બાયપાસ નૂગર સર્કલ પાસે પોલીસ વાહન ચેકીંગમાં હતી, એ દરમિયાન એક અપાચે બાઇક અને એક ટ્રેક્સ ક્રુઝર ગાડીમાં ત્રણ જેટલા ઈસમો પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન યોગ્ય જવાબ ન મળત પોલીસે દાહોદના ત્રણ ઈસમો જેમાં એક કિશોરની પણ અટકાયત કરી હતી. તપાસ દરમિયાન પોલીસે ચોરો પાસેથી મળેલી ચીજવસ્તુઓ કબ્જે કરી હતી.
મહેસાણા જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન અલગ અલગ જગ્યા ઉપર થયેલી ચોરીમાં ત્રણ જેટલા ઈસમોને પોલીસે ઝડપી પાડયા છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ ચોર ટોળકી દાહોદથી મહેસાણા જિલ્લામાં કડિયાકામ કરવા માટે આવતી હતી. જે વિસ્તારમાં કામ કરવા જતા તે વિસ્તારની આજુબાજુની સોસાયટીમાં ફરીને ચોરી કરતા પહેલા ત્યાંની રેકી કરી ચોરીને અંજામ આપતા હતા.
Recent Comments