fbpx
ગુજરાત

સુરતમાં કોરોના ઇફેક્ટઃ ગણેશજીની માટીની મૂર્તિના બુકિંગમાં ઘટાડો

ગણેશ ઉત્સવને ૩૭ દિવસ બાકી હોવા છતાં આ વર્ષે શહેરમાં માત્ર ૫ ટકા લોકોએ જ મૂર્તિ બનાવવા એડવાન્સ બુકિંગ કરાવ્યું છે. દર વર્ષે મહિના પહેલાં ૪૫ ટકા જેટલું બુકિંગ થઈ જાય છે. પહેલા કુલ ૨૫ હજાર મૂર્તિઓ બનતી હતી, જેમાંથી ૮-૧૦ હજારનું બુકિંગ થઈ જતું હતું. જાે કે, આ વર્ષે શહેરના ૧૨ જેટલા કારખાનામાં ૬૦૦થી ૭૦૦ મૂર્તિનું જ બુકિંગ થયું છે.

આ ઉપરાંત કોવિડ પહેલાં શહેરમાં કુલ ૭૦ હજાર મૂર્તિઓની સ્થાપના થતી હતી, જે ગત વર્ષે ૮ હજાર આસપાસ હતી અને આ વર્ષે થોડી છૂટ મળતાં વધીને ૧૫ હજાર થશે તેવી ગણતરી છે. બીજી બાજુ સમયનો અભાવ અને કારીગરોની અછત હોવાથી મૂર્તિના ભાવ પણ ૪ ગણા થઈ શકે છે. મૂર્તિકારો અને ગણેશ ઉત્સવ સમિતિ પ્રમાણે આ વર્ષે કોવિડ પહેલાના ૧૦ હજાર મંડળોમાંથી અડધા જ મંડળો સ્થાપના કરશે. આ ઉપરાંત મંડળોમાં આ વર્ષે આર્થિક સ્થિતિ તેમજ વિસર્જનની મુંઝવણ પણ છે.

કોરોનાકાળમાં વિધાર્થીઓ ઓનલાઇન સ્ટડી કરતા થયા છે. તે માટે મુર્તીકાર નિરવે ઓનલાઇન સ્ટડી કરતા બુક, સ્માર્ટ વોચ,મોબાઇલ સાથેના બાળસ્વરૂપની ગણેશ પ્રતિમા બનાવી છે.

મૂર્તિકાર ધર્મેશ પડવાલે કહ્યું- ૪ ફૂટની મંજૂરી મોડેથી મળતાં મૂર્તિ બનાવી શકાય એમ નથી. શહેરના ૧૦-૧૨ મૂર્તિકારો ધારે તો પણ કારખાના દીઠ ૧૦થી ૧૨ મૂર્તિ જ બનાવી શકે છે. દર વર્ષે ઓગસ્ટ સુધીમાં ૪૫ ટકા જેટલું બુકિંગ થઈ જતું હતું જે હાલ ૫ ટકા જ છે. મંડપ, વિસર્જન, મૂર્તિ ક્યાં સ્થાપિત કરવી તે વિશે સ્પષ્ટતા ન હોવાથી ૮થી ૧૦ ફૂટની મૂર્તિ બેસાડવાવાળા પણ ૨.૫ ફૂટનું બુકિંગ કરી રહ્યા છે.

મૂર્તિકાર ચિકાભાઈએ કહ્યું- આ વર્ષે મહારાષ્ટ્રથી પણ ઓછો સ્ટોક આવશે. માટીની મૂર્તિ નાજૂક-ખર્ચાળ હોવાથી એડવાન્સ પ્રોડક્શન થતું નથી. જેથી આ વર્ષે ૧૫થી ૧૭ હજાર મૂર્તિ જ સ્થાપી શકાશે.

ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાલાએ કહ્યું- મંડપની સાઇઝ, જગ્યા સ્પષ્ટ નથી, જેથી વિસર્જન માટે રજિસ્ટ્રેશન થયા નથી. અમે ૨૦૦ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવી રૂ. ૯૦૦માં આપીશું.

Follow Me:

Related Posts