રક્ષાબંધને બહેનો અરસ-પરસ રાખડી બાંધે છે ઃ ભાઈની ખોટ પુરી કરે છે
ગાયિકા રાજલ બારોટ લોકગાયક મણિરાજ બારોટની દીકરી છે. ૨૦૦૬માં મણિરાજ બારોટનું અવસાન થતાં તેમનાં સંતાન પર જાણે આભ તૂટી પડ્યું હતું. પિતાના મૃત્યુ બાદ ૪ બહેન જ પરિવારમાં રહી હતી, ત્યારે કપરા સમયમાં પણ રાજલ બારોટે ઘરમાં ભલે કોઈ પુરુષ નહોતો છતાં સ્ત્રી થઈને પિતા અને ભાઈની જગ્યા લઈને ઘરની જવાબદારી સંભાળી હતી. પિતા ગાયક કલાકાર હોવાથી પિતાના ગુણ રાજલમાં આવ્યા હતા. રાજલે નાના-મોટા શો શરૂ કર્યા અને ત્યાર બાદ ગરબા, ડાયરા જેવા કાર્યક્રમ પણ શરૂ કર્યા અને આજે એક પ્રખ્યાત ગાયિકા બની ગઈ છે. રક્ષાબંધન ભાઈ-બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર છે. આમ તો આ તહેવારમાં બહેન ભાઈને રાખડી બાંધીને ભાઈ પાસેથી રક્ષા કરવાનું વચન અને ભેટ મેળવે છે, પરંતુ ગુજરાતી જાણીતી ગાયિકા રાજલ બારોટે પિતાના મૃત્યુ બાદ માતા-પિતા અને મોટા ભાઈની ભૂમિકા નિભાવી છે અને પોતાનાથી મોટી બહેન સહિત ૩ બહેનને ઉછેરી છે, જેનાથી તમામ બહેનોને ક્યારેય ભાઈની કમી પણ મહેસૂસ થઈ નથી.
રાજલ બારોટે પોતાના સંઘર્ષકાળ દરમિયાન આવી પડેલી મુશ્કેલીઓને એકપણ બહેન સુધી આવવા દીધી નહોતી. નાનપણથી જ મોટી બહેન હોવા છતાં ભાઈ તરીકે ત્રણેય બહેનોને સંભાળી હતી. ત્રણેય બહેનોની જરૂરિયાત પૂર્ણ કરી હતી. ત્રણેય બહેનોને પણ રાજલ બારોટને કારણે ભાઈની ખોટ વર્તાતી નહોતી. જે પ્રમાણે ભાઈ પાસે બહેન સલામત, સુરક્ષિત રહે છે એ પ્રમાણે જ રાજલ સાથે પણ બહેનો આ રીતે જ સુરક્ષિત રહે છે. ૨ વર્ષ અગાઉ જ રાજલે મોટી બહેનના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. નાની બહેનોના અભ્યાસની જવાબદારી પણ રાજલ પર છે, જે કોઈપણ પ્રકારની કમી રાખ્યા વિના પૂરી કરે છે.
રક્ષાબંધનમાં બહેન ભાઈના ઘરે જઈને રાખડી બાંધે છે, જ્યારે રાજલ અને તેમની ૩ બહેન પોતાના જ ઘરે એકબીજાને રાખડી બાંધે છે અને એકબીજા પાસેથી હંમેશાં સાથે અને સંપીને રહેવાનું વચન માગે છે. જીવનમાં કેવી પણ પરિસ્થિતિ આવે, એકબીજાની પડખે ઊભા રહીને મદદ કરવાનું એકબીજાને વચન આપે છે. મારે ભાઈ નથી, પપ્પાના ગુજરી ગયા બાદ બધી જવાબદારી મેં સંભાળી લીધી છે. પપ્પાને કારણે બધા મને ઓળખતા હતા અને મેં પણ નાનપણથી ગાવાનું શરૂ કર્યું હતું, જેથી મને લોકોનો સપોર્ટ પણ મળ્યો. ૧૫ વર્ષથી પપ્પા,મમ્મી અને ભાઈ તરીકે જ હું જવાબદારી નિભાવી રહી છું. બહેનોને ભણાવવા તથા તેમની જાેઈતી તમામ વસ્તુ લઈ આપવા મેં ક્યારેય કચાશ રાખી નથી. પપ્પા ના હોય તો દીકરાની જવાબદારી હોય તેમ મેં દીકરાની જેમ બધી જવાબદારી નિભાવી છે. રાજલ બારોટ આગળ કહે છે, મેં મોટી બહેનના પણ લગ્ન કરાવ્યા છે અને નાની ૨ બહેનનાં પણ હું સારી રીતે લગ્ન કરાવીશ. શરૂઆતમાં ભાઈની ખોટ સાલતી હતી, પરંતુ સમય જતાં હવે કોઈ ખોટ નથી રહી અને અને દીકરીઓ જ આજે દીકરા બનીને એકબીજાની પડખે ઊભી છે. રાજલ બારોટની નાની બહેન તેજલ બારોટે જણાવ્યું હતું કે દર વર્ષે બહેન ભાઈને રાખડી બાંધે છે, પરંતુ અમે ચારેય બહેનો એકબીજાને રાખડી બાંધીએ છીએ. રાજલ દીદીને કારણે આજે અમને ભાઈની ખોટ વર્તાતી નથી અને આ રીતે જ હંમેશાં સાથે રહીશું…



















Recent Comments