ગાંધીનગર જિલ્લામાં ડેન્ગ્યુ, મલેરિયાના કેસોમાં વધારો
કોરોનાની બીજી લહેર બાદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં નીલ જેવી સ્થિતિ છે. જ્યારે તેની સરખામણીમાં વાહકજન્ય રોગચાળો બેકાબુ બન્યો હોય તેમ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલ નોંધાતા કેસો પરથી લાગી રહ્યું છે.જિલ્લામાં અંદાજે ૩૦ ખાનગી લેબોરેટરીમાં પણ વાહકજન્ય રોગચાળાના ટેસ્ટીંગનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ખાનગી એક લેબોરેટરીમાં દરરોજના મેલેરીયાના ૧૦, ડેન્ગ્યુના ૭ અને ચીકનગુનિયાના ૫ જેટલા રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યા છે. જાે આવી જ સ્થિતિ રહી તો આગામી સમયમાં જિલ્લામાં વાહકજન્ય રોગચાળાની સ્થિતિ બેકાબુ બની શકે છે.
કોરોનાને કારણે સિવિલની દરરોજની ઓપીડી ૫૦૦થી ૭૦૦ની આસપાસ રહેતી હતી. પરંતુ હાલમાં મંદ પડેલા કોરોનાની સ્થિતિ અને વકરી રહેલી વાહકજન્ય રોગચાળાની સ્થિતિને પગલે સિવિલ હોસ્પિટલમાં દરરોજની ઓપીડીમાં ડબલ વધારો થવા પામ્યો છે. આથી સિવિલ હોસ્પિટલમાં દરરોજ ૧૦૦૦થી ૧૨૦૦ની ઓપીડી થાય છે.જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળામાં આવેલા ઉછાળાને પગલે ઘરે ઘરે બિમારીના ખાટલા જેવી સ્થિતિ બની રહી છે. ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં દરરોજ માત્ર મેડિસિન વિભાગમાં જ દરરોજ ૪૦૦ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. તેમાં સૌથી વધુ દર્દીઓ તાવ, મેલેરીયા, ચીકનગુનિયા અને ડેન્ગ્યુના આવી રહ્યા છે. આથી સર્વેલન્સ કામગીરી સઘન કરવામાં આવે તેવી માંગ લોકોમાં ઉઠી રહી છે.
છેલ્લા એકાદ મહિનાથી સતત વાદળછાયું વાતાવરણ અને છુટા છવાયા વરસાદી ઝાપટાને પગલે વાહકજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. જેને પરિણામે જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં ઘરે ઘરે બિમારીના ખાટલા જાેવા મળી રહ્યા છે. જાેકે ગત વર્ષ-૨૦૧૯માં જે રીતે ડેગ્યુની બિમારી બેકાબુ બની હતી. તેમ પુનઃ ત્રણ વર્ષ પછી ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સાયકલ ચાલી હોય તેમ હાલમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાની બિમારીના કેસ વધુ જાેવા મળી રહ્યા છે. જેને પરિણામે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ મળી રહ્યા છે. જ્યારે તેની સરખામણીમાં મેલેરીયા કેસ ઓછા સામે આવી રહ્યા છે. જ્યારે સાદા તાવના કેસ તો ઘરે ઘરે જેવી સ્થિતિ બની રહી છે. વાહકજન્ય રોગચાળાના નિયંત્રણ માટે મેલેરીયા શાખા દ્વારા પોરા નાશકની કામગીરી કરવામાં આવી રહી છે. ઉપરાંત વરસાદી પાણી ભરાયેલા પાત્રોને ખાલી કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેની સામે લોકોમાં જાગૃતિનો અભાવ પણ જાેવા મળી રહ્યો છે.
Recent Comments