રાજુલા શહેરમાં સવારનાં ૮થી રાત્રિનાં ૯ સુધી ભારે વાહનોનાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવા જાહેરનામું પ્રસિધ્ધ થયું
રાજુલા શહેરમાંથી પસાર થતાં ભારે અને મોટા વાહનોનાં કારણે અવાર–નવાર નાના–મોટા અકસ્માતો થાય છે અને ટ્રાફીકજામ જેવી સમસ્યાઓ સર્જાય છે. જેથી રાજુલા શહેરમાં પસાર થતાં ભારે વાહનો પર પ્રતિબંધ મુકવા થયેલ રજૂઆતો અન્વયે પોલીસ અધિક્ષક, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ તથા ચીફ ઓફિસર નગરપાલિકા રાજુલા પાસેથી અભિપ્રાયો મંગાવવામાં આવેલ જેના અનુસંધાને જાહેરનામું પ્રસિધ્ધ કરવા હકારાત્મક અભિપ્રયો રજૂ થયેલ છે.
આ દરખાસ્તો આધારે ટ્રાફિકની સમસ્યા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા ભારે વાહનોનો રાજુલા શહેરમાં પ્રવેશ અટકાવવો જરૂરી જણાય છે. જેથી જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ગૌરાંગ મકવાણાએ ગુજરાત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ (૧)(બી) હેઠળ મળેલ અધિકારની રૂએ ભારે વાહનો અવર–નવર કરે છે તેની ઉપર પ્રતિબંધ મુકવાનું અને વાહન વ્યવહારને પસાર થવાનો રસ્તો બદલવાનું નકકી કરવા વિચારેલ છે.
રાજુલા શહેરમાં સવારનાં ૮થી રાત્રીનાં ૯ કલાક દરમ્યાન પસાર થતા સરકારી ફરજ પરના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડના વાહનો, સ્કૂલ બસ, એસ.ટી. વિભાગનાં વાહનો, પેટ્રોલ–ડીઝલનાં ટેન્કરો સિવાયનાં તમામ ભારે વાહનો જેવા કે છ કે તેથી વધુ વ્હીલવાળા વાહનોને રાજુલા શહેરમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવા તથા આવા વાહનોએ નીચે મુજબના માર્ગ પરથી પસાર થવા વિચારેલ છે.
(૧) સાવરકુંડલા તરફથી આવતા ભારે વાહનોને આગરીયા જકાતનાકા થઈ હિંડોરણા બાયપાસ વાળા રોડ પરથી પસાર કરવા, (૨) વાવેરા–વિજપડી રોડ તરફથી આવતા ભારે વાહનો થોરડી રોડ પરથી પસાર કરવા, (૩) વડલી તરફથી આવતા ભારે વાહનો ડુંગર જકાતનાકાથી વિકટર રોડ પરથી પસાર કરવા અને (૪) જાફરાબાદ તરફથી આવતા ભારે વાહનોને હિંડોરણા ચોકડીવાળા રોડ ઉપરથી પસાર કરવા.
આ હુકમ અંગે કોઈ શખ્સને વાંધો કે સુચનો હોય તેમણે આ પ્રાથમિક જાહેરનામું ગેઝેટમાં પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૩૦માં તેમનાં વાંધા કે સુચનો આ કચેરી (કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટની કચેરી, શાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી પીન–૩૬૫૬૦૧)ને મળી જાય તે રીતે મોકલી આપવાનાં રહેશે. ત્યારબાદ આવેલ વાંધા કે સુચનો ધ્યાને લેવામાં આવશે નહી.
Recent Comments