અમરાવતી હત્યાના ૭ આરોપીઓને ૧૫ જુલાઈ સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલ્યા
મુંબઈની કોર્ટે અમરાવતી હત્યાના મામલામાં ધરપકડ કરાયેલા સાત લોકોને ૧૫ જુલાઈ સુધી નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ની કસ્ટડીમાં મોકલી આપ્યા છે. આ પહેલા તમામ આરોપીને પૂર્વી મહારાષ્ટ્ર અમરાવતી શહેરથી મુંબઈ લાવવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કરવાને લઈને અમરાવતીમાં કેમિસ્ટ ઉમેશ કોલ્હેની હત્યા કરી દેવામાં આવી હતી. ઉમેશ કોલ્હેની ૨૧ જૂનની રાત્રે દુકાનથી ઘર પરત ફરતા સમયે હત્યા કરવામાં આવી હતી. શરૂઆતમાં મામલાની તપાસ કરનારી પોલીસે દાવો કર્યો હતો કે કેટલાક વોટ્સએપ ગ્રુપમાં પયગંબર મોહમ્મદ વિશે ભારતીય જનતા પાર્ટીની સસ્પેન્ડ નેતા નૂપુર શર્માની વિવાદિત ટિપ્પણીનું સમર્થન કરનાર પોસ્ટ શેર કરવા માટે ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી છે.
હવે મામલાની તપાસ એનઆઈએએ સંભાળી લીધી છે. એજન્સીએ આરોપીઓને અહીં એનઆઈ મામલાના વિશેષ ન્યાયાધીશ એકે લાહોટી સમક્ષ રજૂ કર્યા અને તેની ૧૫ દિવસની કસ્ટડીની વિનંતી કરી હતી. એનઆઈએ કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ પૂરાવા છે કે તે આતંકવાદી ગતિવિધિમાં સામેલ હતા. પરંતુ કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીઓને આઠ દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલી દીધા છે. નોંધનીય છે કે ઉદયપુર હત્યાકાંડના એક સપ્તાહ પહેલા અમરાવતીમાં ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી હતી. ઉદયપુરમાં કન્હૈયાલાલ નામના દરજીની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ હત્યાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્માની વિવાદાસ્પદ ટિપ્પણીનું સમર્થન કરવાને લઈને કન્હૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. રાજસ્થાન પોલીસે આ મામલાના મુખ્ય આરોપી સહિત કુલ ૪ લોકોની ધરપકડ કરી હતી. આ મામલાની તપાસ પણ એનઆઈએ કરી રહી છે.
Recent Comments