બોર્ડર ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આ ફિલ્મ ૧૯૭૧માં ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર બનાવાઈ હતી. આ ફિલ્મમાં સુનિલ શેટ્ટીએ ભૈરો સિંહની ભૂમિકા ભજવી હતી અને આ પાત્રના ખૂબ વખાણ થયા હતા. ફિલ્મમાં ભૈરોસિંહની શહીદીનું દ્રશ્ય જાેઇને તમે રોમાંચિત થઇ ગયા હશો. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે બોર્ડર ફિલ્મનો આ રિયલ હીરો ભૈરો સિંહ ભારતમાં જ ગુમનામીનું જીવન જીવી રહ્યો છે. શેરગઢના સોલંકીતલા ગામમાં જન્મેલા ભૈરોસિંહ રાઠોડ ૧૯૭૧માં જેસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર બીએસએફની ૧૪ બટાલિયનમાં તૈનાત હતા. જ્યાં ભૈરો સિંહે પોતાની બહાદુરી અને શૌર્ય બતાવીને દુશ્મનો હંફાવી દીધા હતા. ભારત-પાક સરહદ પર લોંગેવાલા પોસ્ટ પર મેજર કુલદીપ સિંહની ૧૨૦ સૈનિકોની કંપનીમાં તેઓ પણ સામેલ હતા. તેઓએ પાક ટેન્કોને તોડી પાડી હતી અને દુશ્મન સૈનિકોનો ખાત્મો બોલાવ્યો હતો. ભૈરો સિંહે એમએફજીથી લગભગ ૩૦ પાકિસ્તાની દુશ્મનોને મારી નાંખ્યા હતા.
ભૈરોસિંહની બહાદુરી અને પરાક્રમના કારણે સુનીલ શેટ્ટીએ ૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મ બોર્ડરમાં રાઠોડનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં ભૈરો સિંહને શહીદ તરીકે બતાવવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિક જીવનમાં અસલી હીરો ભૈરો સિંહ આજે પણ હયાત છે. રાઠોડ ૧૯૬૩માં બીએસએફમાં જાેડાયા હતા અને ૧૯૮૭માં નિવૃત્ત થયા હતા. પરંતુ આજે ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ જવાનની જેમ જીવી રહ્યા છે. ભૈરો સિંહના મત મુજબ બોર્ડર ફિલ્મમાં તેમનો રોલ બતાવવો ગર્વની વાત છે. આવું કરવાથી યુવાનોને પ્રેરણા મળે છે. પરંતુ શહીદ તરીકે બતાવવું ખોટું છે. રાઠોડને ૧૯૭૧ના યુદ્ધમાં તેમની બહાદુરી બદલ તત્કાલીન મુખ્યમંત્રી બરકતુલ્લાહ ખાન દ્વારા સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. જાે કે, બીએસએફ દ્વારા લશ્કરી સન્માન તરીકે તેમને આપવામાં આવતા લાભો અને પેન્શન ભથ્થાં તેઓ મેળવી શકતા નથી. જેના કારણે તે ગુમનામ જીવન જીવી રહ્યા છે.
ભૈરો સિંહ કહે છે કે, લોંગેવાલાની લડાઇ જીત્યાને ૪૮ વર્ષ વીતી ગયા છે. ત્યાં ઐતિહાસિક વિજય થયો હતો, પરંતુ લોંગેવાલા ક્યાં છે તેની આજની પેઢીને જાણ નથી. હું ઇચ્છું છું કે જેમ બાળકો આઝાદી પહેલાના ભારતના નાયકોની ગાથા જાણે છે, એ જ રીતે સ્વતંત્ર ભારતના સૈનિકોની વાતો પણ જાણવી જાેઈએ. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં યુદ્ધના દિવસોની યાદો તાજી થઈ જાય છે. તે વિશ્વનું પહેલું એવું યુદ્ધ હતું જે માત્ર ૧૩ દિવસ જ ચાલ્યું હતું. ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ પાકિસ્તાને પોતાના સૈનિકો સાથે ભારત સામે આત્મસમર્પણ કર્યું હતું. આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


















Recent Comments