AAPની નજર છે ૨૦૨૪ ચૂંટણી પર, ૧૮ ડિસેમ્બરે બોલાવી નેશનલ કાઉન્સિલની બેઠક
દિલ્હી મહાનગર પાલિકા ચૂંટણી અને ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૫ સીટો જીતનારી આમ આદમી પાર્ટી હવે વર્ષ ૨૦૨૪માં યોજાનાર લોકસભાની તૈયારીમાં લાગી ગઈ છે. તેને ધ્યાનમાં રાખી પાર્ટીએ રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવી છે. આ બેઠક ૧૮ ડિસેમ્બરે યોજાશે. રાષ્ટ્રીય પરિષદની આ બેઠકમાં આમ આદમી પાર્ટીના દેશભરના જનપ્રતિનિધિઓ સહિત ઘણા રાજ્યોના નેતા સામેલ થશે. આ બેઠકમાં વર્ષ ૨૦૨૪માં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આમ આદમી પાર્ટીની તૈયારીઓને લઈને ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લગભગ ૧૩ ટકા મત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટીઓની શ્રેણીમાં સામેલ થવાની છે. પાર્ટી માટે આ સિદ્ધિ ખાસ છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ૫ સીટ જીતવા માટે ખુબ મહેનત કરવી પડી હતી.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સહિત અનેક નેતાઓએ અહીં મહિનાઓ સુધી પ્રચાર કર્યો હતો. ગુજરાત વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. અહીં પાર્ટીએ કોંગ્રેસની વોટબેંકમાં દરાર પાડી અને જે વોટ શેર જૂની પાર્ટીનો હતો તેને પોતાના ખાતામાં કનવર્ટ કર્યો અને પાંચ સીટ પણ જીતી છે. આ વખતે ગુજરાતની તમામ સીટ પર લડવા ઉતરેલી આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે અંસખ્ય રેલી ગુજરાતમાં કરી હતી. તેમણે જનતાને ફ્રીના અનેક વાયદાઓ પણ આપ્યા હતા.
ચૂંટણી પ્રચાર દરમિયાન ૨૭ નવેમ્બર ૨૦૨૨ના અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદમાં કાગળ પર લખીને આપ્યું- આ વખતે ગુજરાતમાં આપની સરકાર બનશે. કેજરીવાલે કહ્યું કે, આ મારી ભવિષ્યવાણી છે. ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયો અને બે તબક્કામાં યોજાયેલા મતદાન બાદ ૮ ડિસેમ્બરે પરિણામ આવ્યું તો આમ આદમી પાર્ટીના તમામ દાવાઓ ફેલ થયા હતા. ખુદ તેના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા અને મુખ્યમંત્રીના ઉમેદવાર ઈસુદાન ગઢવી પણ ચૂંટણી હારી ગયા હતા.
Recent Comments