ગુજરાત

નડિયાદના આખડોલમાં એસએમસીનો દરોડો, ૧૨.૪૦ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

ખેડા જિલ્લામાં ઈંગ્લીશ, દેશી દારૂનો વેપલો ફુલી ફાલ્યો છે. થર્ટી ફર્સ્ટ આવતાં જ સમગ્ર જિલ્લામાં દારૂની રેલમછેલ જામી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરીંગ સેલ પોલીસે ખેડા જિલ્લાના નડિયાદ ગ્રામ્ય પોલીસની હદમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. નડિયાદ તાલુકાના આખડોલ ગામેથી દારૂ કંટીગ વેળાએ વિઝલન્સે છાપો મારી રૂપિયા ૧૨ લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. આ પ્રકરણમાં ગામના માજી સરપંચ સહિત કુલ ૧૯ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. જેમાંથી એકની ધરપકડ કરાઈ છે. જ્યારે અન્ય લોકો ફરાર થયા છે. પોલીસે આ અંગે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો એસએમસીની ટીમે સપાટો બોલાવતા નડિયાદ ગ્રામ્ય પોલીસ ઊઘતી ઝડપાઈ છે. ખેડા જિલ્લાના નડિયાદ રૂરલ પોલીસની હદમાં આવેલ આખડોલ ગામની સીમમાંથી વિદેશી દારૂના વેપલાનો પર્દાફાશ સ્ટેટ મોનિટરીંગ સેલએ કર્યો છે.

રાત્રે ગામની સીમમાં સાયરસ ડી.જે. વાળાના ઘરેથી થોડે દુર ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂના કટીંગ પર પોલીસ ત્રાટકતાં હાજર બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. અહિયા દરોડો પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે. અહીંયા ટ્રેક્ટરના ટ્રોલીમા ઈંગ્લીશ દારૂની બોટલો ૩૩૭ તથા અન્ય મળી કુલ ૭૩૯૨ બોટલો કિંમત રૂપિયા ૧૨ લાખ ૪૦ હજાર ૫૦૦નો દારૂ મળી આવ્યો હતો. પોલીસે અહીંયાથી એક ટ્રેક્ટર તથા ટ્રોલી મળી કુલ મળીને રૂપિયા ૧૭લાખ ૪૫ હજાર ૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બનાવમાં પોલીસે સ્થળ પરથી હિતેશ કનુભાઈ પરમારને ઝડપી લીધો છે.

જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર, અતુલ ઉર્ફે ભુરીયો રાજુભાઈ પરમાર, ચંદ્રકાંત ઉર્ફે લાલો અમૃતલાલ સોની (તમામ રહે.આખડોલ), તેમજ દારૂ ઉતારી ભરી આપનાર મજુર સુનિલ પરમાર, દસો પરમાર સહિત કેસરી કલરનું મધ્યપ્રદેશ પાર્સિંગનુ કન્ટેનરનો ચાલક/માલિક, સફેદ નંબર વગરની મારુતિ ઈકો કારનો ચાલક/માલિક, સફેદ કલરની ક્રેટા કારનો ચાલક/માલિક, કાળા કલરની ક્રેટા જેવી કારનો ચાલક/માલિક અને અજાણ્યા દારૂ ઉતારી ભરી આપનાર આઠ મજુરો આ તમામ વોન્ટેડ છે. આ તમામ લોકો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓમાં દારૂનો જથ્થો મંગાવનાર વોન્ટેડ આરોપી પ્રફુલ ઉર્ફે સ્વામી ઉમેદભાઈ પરમાર છે તે ગામનો માજી સરપંચ છે અને તેની પત્ની જિલ્લા પંચાયત સભ્ય છે ત્યારે પ્રોહીબીશનના કેસમાં તેમના નામ બહાર આવતાં અનેક અટકળોએ જાેર પકડ્યું છે.

Follow Me:

Related Posts