ગુજરાત

લીંબડીના ખેડુતે ટામેટાંની ખેતી કરી અન્ય ખેડૂતો સામે ઉત્તમ ઉદાહરણ મૂક્યું

લીંબડી પંથકમાં સામાન્ય રીતે શિયાળુ પાકમાં ચણા, ઘઉં અને જીરૂ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે. ત્યારે લીંબડીના કિશોરસિંહ રાણા નામના યુવાન ખેડૂતે પરંપરાગત પાકના વાવેતરના બદલે કાંઇક નવુ વાવેતર કરવાનો પ્રયોગ કર્યો છે. કિશોરસિંહ રાણાએ પોતાની ૫૫ વિઘા કરતા વધુ જમીનમાં ટમેટાનુ વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવી સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય ખેડૂતોને પણ અનોખી રાહ ચીંધી છે. કિશોરસિંહે ખેડા માતરમાંથી પ્રખ્યાત છોડ લાવી તેનું વાવેતર કર્યું છે. હાલ ટમેટાનું મબલખ ઉત્પાદન થઇ રહ્યું છે.

જેમાં એક વિઘા દીઠ અંદાજે ૨૦૦ મણથી વધુ ટમેટા એટલે કે, કુલ ૫૫ વિઘા જમીનમાં અંદાજે ૧૧ હજાર મણ કરતા વધુ ટમેટાનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. આ અંગ કિશોરસિંહ રાણાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અગાઉ હું ૫૫ વીઘામાં કપાસ, જીરૂ અને લસણ સહિત વિવિધ પાકોનું વાવેતર કરતો હતો. જેમાં મને વર્ષે રૂ. ૧૦ લાખ જેટલી આવક થતી હતી. આ વર્ષે રોકડીયા પાક ટામેટાનું વાવેતર કર્યું છે. હાલ બજારમાં ટમેટાનો ભાવ કિલોએ ઘટીને રૂ. ૧૦થી ૧૨નો છે. અગાઉ ટમેટાનો ભાવ રૂ. ૨૨થી ૨૫ પણ રહ્યો છે. જાે સારો ભાવ મળે તો વર્ષે ટામેટાના વાવેતરથી રૂ. ૧૮થી ૨૦ લાખની આવક થઇ શકે એમ છે. જ્યારે અન્ય પાકના વાવેતર કરતા ટામેટાના વાવેતરમાં શરૂઆતમાં દવાનો ખર્ચ થયા બાદ દવાનો ખર્ચ ૨૫ % જેટલો ઘટી જાય છે,

પરંતુ ઝાલાવાડમાં ખેતીમાં મજૂરો મળવાનીની ખુબ જ જટીલ સમસ્યા હોવાની સાથે માલ બજારમાં વેચવામાં દલાલો કમીશન લેતા હોવાથી ખેડૂતોને આવકનો માત્ર ૩૦ % નફો જ રળવા મળે છે.સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના પ્રગતિશીલ ખેડૂતે ૫૫ વિઘા જમીનમાં સૌ પ્રથમ વાર ટમેટાનું વાવેતર કરી અન્ય ખેડૂતોને રોકડીયા પાકના વાવેતરનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. સામાન્ય રીતે ટમેટાનું વાવેતર ઓછી જમીનમાં થતુ હોય છે અને મુખ્ય પાક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ટમેટાનું વાવેતર નથી કરવામાં આવતું. ત્યારે લીંબડીના આ ખેડૂતે ઘઉં, જીરૂ, વરીયાળી જેવા પરંપરાગત પાકમાં પુરતા ભાવ ન મળતાં ટમેટા જેવા રોકડીયા પાકનું વાવેતર બમણી આવક કરી છે.

Follow Me:

Related Posts