દહેજ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ
દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર એવા ભરૂચમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓ સતત બની રહી છે. સ્ક્રેપ માર્કેટ અને ઔદ્યોગિક એકમોમાં આગની ઘટનાઓના કારણે એકતરફ સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈ ચિંતાઓ ઉભી થઈ રહી છે તો બીજી તરફ આ ઘટનાઓ સળગેલા રસાયણોના કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચવાની પર્યાવરણપ્રેમીઓ ચિંતા વ્યક્ત કરે છે. આ શ્રેણીમાં વધુ એક ઘટના શુક્રવારે દહેજ જીઆઇડીસીમાં બની હતી જ્યાં કેમિકલ કંપનીમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવા ફાયરબ્રિગેડને ત્રણ કલાકનો સમય લાગ્યો હતો. હજારો લીટર પાણીમાં છટકાવ બાદ સ્થિતિ નિયંત્રણમાં આવી હતી. દહેજની દેશની હાઇડ્રોજન પેરોકસાઈડનું ઉત્પાદન કરતી ઇન્ડિયન પેરોકસાઈડ કંપનીમાં શુક્રવારે રાતે લાગલી વિકરાળ આગે ઔદ્યોગિક વસાહતને એલર્ટ મોડમાં લાવી દીધી હતી. દહેજ-આમોદ રોડ પર આવેલી ઇન્ડિયન પેરોકસાઈડ કંપની ૧૫ હજાર સ્કવેર મીટરમાં ૫ વર્ષ પેહલા સ્થપાઈ હતી. દૈનિક ૧૫૦ ટન પર ડે હાઇડ્રોજન પેરોકસાઈડની સ્વિડન ટેકનોલોજીથી ઉત્પાદન કરતી દેશની સૌથી મોટી પેરોકસાઈડ ઉત્પાદક છે.કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા ચાલતી હતી ત્યારે શુક્રવારે રાતે ૧૦.૫૦ કલાકે અચાનક આગ ફાટી નીકળી હતી. રીએક્ટરમાં કોઈ કારણોસર લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી ગયો હતો. કંપનીમાં રહેલા ૬૬ કર્મચારીઓ સમયસર બહાર આવી જતા તમામનો બચાવ થયો હતો. ઘટનાને લઈ ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ, જીપીસીબી, દહેજ પોલીસ અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી ગયું હતું.વિકરાળ બનેલી આગ પર ૮ થી વધુ ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ૩ કલાકની જહેમતે કાબુ મેળવી લીધો હતો. કંપનીને પ્રોડક્શન બંધ રાખવા પ્રોહીબીટરી ઓર્ડર આપી આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસવા શનિવારથી તંત્રએ કવાયત હાથ ધરી છે.આ અગાઉ અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં આગની ઘટના બની હતી. સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાની વારંવાર ઘટના બને છે. આ આગની ઘટનાઓમાં કેટલાક બનાવોમાં તે વેસ્ટ ડીસ્પોઝલનું કાવતરું પણ હોવાના આક્ષેપ થાય છે. તંત્ર આગ ઉપર કાબુ મેળવે છે પણ આગ વારંવાર કેમ લાગે છે? તેનું કારણ જાણી તે ઘટનાઓ અટકાવવામાં સફળ રહેતું નથી.
Recent Comments