રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરું નામ, સરનામુ, જે બિયારણ ખરીદ્યું હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદ્દત પૂરી થવાની વિગતો દર્શાવતું બિલ તેની સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ તેની ચકાસણી અવશ્ય કરવી. ખેડૂતોએ અમાન્ય બિયારણની ખરીદી ટાળવી જોઈએ. અમાન્ય બિયારણ વેચનાર ધ્યાનમાં આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સપેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ને તુરંત જ જાણ કરવી. આ અંગેની વધુ માહિતી અને જાણકારી માટે નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ની કચેરી, ૩૦૧, બી-બ્લોક, બહુમાળી ભવન, અમરેલીનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ),અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ખરીફ પાક વાવેતર સમયે બિયારણની ખરીદી વખતે ખેડૂતોએ લાયસન્સ ધારક પાસેથી જ બિયારણ ખરીદવાનો આગ્રહ રાખવો

Recent Comments