વારંવાર રજૂઆત છતાં હાથસણી રોડ પર ફૂટપાથની માંગ ક્યારે સંતોષાશે? ડિવાઇડરો પણ ક્ષતિગ્રસ્ત હોય મરમ્મત માંગે છે
આમ ગણીએ તો પેલી ચાંચૂડી ઘડાવું છું, જાઓ કાબરબેન કાલે વહેલો આવું છું.!! જેવો ઘાટ ઘડાયો હોય એવી પરિસ્થિતિ તો નથી’ને? તંત્રએ પણ શહેરમાં વૃક્ષઉછેર કરતી સેવા સંસ્થાની એકયુરેટ પ્રવૃત્તિઓ પરથી બોધપાઠ લેવા જેવો ખરો. વાત જાણે એમ છે કે સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પહોળો તો થયો રોડની વચ્ચે ડિવાઇડર પણ થયાં. પરંતુ એ ડિવાઇડર પણ હાલ ક્ષતિગ્રસ્ત છે જેની મરમ્મત પણ જરૂરી છે, વળી આ રસ્તો પણ હવે મરમ્મત માંગે છે. વળી આ રોડ પર રાત્રે અને સાંજે અનેક નાગરિકો વોકિંગ માટે પણ નીકળે છે. એટલે લગભગ દોઢેક વર્ષ પહેલાં સાવરકુંડલાના વોર્ડ નંબર પાંચનાં રહીશો તથા વોર્ડ નંબર પાંચનાં ચારેય નગરપાલિકા સદસ્યો તથા એક ભૂતપૂર્વ નગરપાલિકા સદસ્ય સમેત સો કરતાં વધારે વ્યક્તિની સહીથી એક લેખિત અરજી સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર નકલ રવાના ચેરમેન અમરેલી જિલ્લા બાંધકામ સમિતિ તથા અમરેલી સાંસદને કરવામાં આવેલ. જો કે આજસુધી તેનો યોગ્ય ઉકેલ આવ્યો નથી.
હા આ રોડ કદાચ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની હદ સીમા સંદર્ભે દ્વીધામાં હશે કે પછી, ફાઈલ ટોકરીમાં? આ ઉપરાંત આ વિસ્તારના રહીશો માટે સિનિયર સિટીઝન પાર્ક અને બાળકો માટે ક્રિંડાગણની પણ માંગ કરવામાં આવેલ જે હજુ સુધી સંતોષાય નથી.. શું તંત્ર આ વિસ્તારના રહીશોની માંગો પ્રત્યે યોગ્ય આવશ્યક કાર્યવાહી કરવાની છે કે નહીં? હા ચૂંટણી આવે એટલે વિસ્તારવાઈઝ સભાઓ, મિટિંગો અને વચનોની લ્હાણી થશે.!! પરંતુ પછી પાછા હતાં ઈ નાં ઈ.. હાલ તો આ રસ્તાને ફૂટપાથ સમજી લોકો પણ ફૂટપાથ તરીકે ઉપયોગ કરે છે. જો કે એમાં પણ આવતાં જતાં વાહનો સાથે અથડાઈ જવાનો ભય તો રહે જ.. પરંતુ લાચાર અને મજબૂરીવશ બીજો વિકલ્પ ન હોય લોકો એ જોખમ પણ ઉઠાવે છે. ખાસકરીને આજનો નાગરિક એટલે મજબૂત અને તંદુરસ્ત નાગરિક તો જ સંભવ છે જ્યારે પોતાના બાળપણથી જ ખેલ કૂદ માટે ક્રીડાંગણ મળે. પરંતુ હજુ સુધી નગરપાલિકા દ્વારા આવી વ્યવસ્થા થતી નથી..આ વિસ્તારની ક્રિડાગણ અને સિનિયર સિટીઝન પાર્કની માંગ પણ વર્ષોથી કરવામાં આવેલ છે. આ મુદ્દે પણ યોગ્ય વિચાર કરવો જરૂરી છે. જો કે એક વાત ઉડીને આંખે વળગે તેવી છે કે એક સેવાકીય સંસ્થા દ્વારા આપડાં સાવરકુંડલા શહેરમાં જ વૃક્ષો વાવેલાં છે અને તેને નિયમિતપણે પાણી પાઈને કાયમી માવજત કરે છે. વૃક્ષોની આસપાસ રહેલું પીંજરું પણ તૂટી જાય કે વળી જાય તો વ્યવસ્થિત કરે છે અને જરૂર જણાય તો નવું પીંજરું પણ નાખી દે છે. ત્યારે સવાલ એ થાય કે જો સેવાભાવી સંસ્થાઓ આવા કાર્યોને સો ટકા સફળ બનાવવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી કાર્ય કરે છે તો પછી શું હવે શહેરના રોડ રસ્તા કે અન્ય શહેરી સુવિધાને લગતી જરૂરિયાત પણ શું હવે આની માફક સેવા સંસ્થાઓને જ સોંપીશું તો જ જાહેર સેવાના કાર્યો થશે કે શું? આવો માર્મિક વ્યંગ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. તંત્રને માટે આ સમય ઘોર તંદ્રામાંથી જાગૃત થઈને જાહેર સેવાના કાર્યો કરવા માટે કોઈ થેરપીની આવશ્યકતા તો નથી’ને?
Recent Comments