fbpx
અમરેલી

રાજ્યના પ્રથમ ૧૦ દિવસીય “જળ મહોત્સવ-૨૦૨૩” સંપન્ન

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામ ખાતે તા.૧૬ નવેમ્બર, ૨૦૨૩ના રોજ રાજ્યના પ્રથમ ૧૦ દિવસીય “જળ ઉત્સવ ૨૦૨૩”ને ખુલ્લો મૂક્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી, રાજ્ય સરકાર તથા ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગાગડિયો નદીના કાંઠે જળ સંરક્ષણના અનેકવિધ કાર્યો સંપન્ન થયા છે, જેને વધાવવા તથા પ્રવાસનને વેગ આપવા, રોજગારીની તકોનું સર્જન થાય ઉપરાંત આસપાસની સૂકી જમીનમાં હરિયાળી પથરાઇ તેવા ઉમદા ઉદ્દેશ સાથે લાઠીના દુધાળા ખાતે જળ ઉત્સવ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતુ.  પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબેની પ્રેરક ઉપસ્થિતિમાં દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે જળ ઉત્સવ-૨૦૨૩નો સમાપન સમારોહ યોજાયો હતો.

             “જળ મહોત્સવ-૨૦૨૩” સમાપન પ્રસંગે સંબોધન કરતા પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબેએ જણાવ્યુ કે, લાઠી-લીલીયાના ખારાપાટ વિસ્તારમાં જળસંગ્રહના કાર્યો થકી આ વિસ્તારમાં નવા પ્રાણ પૂરવા માટે ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા જળ સંરક્ષણનું કાર્ય થયું તે જોઈ મને પ્રસન્નતા અનુભવાઇ છે, જળ સંરક્ષણના આ કાર્યો અને જળ ઉત્સવ કાર્યક્રમે મને પ્રેરણા આપી છે. મંત્રીશ્રીએ વધુમાં કહ્યુ કે, આપણે પ્રકૃતિની રક્ષા કરીશું તો પ્રકૃતિ આપણી રક્ષા કરશે,  જળ સંરક્ષણના પુનિત કાર્યો થકી સૂકી જમીન જીવંત બની છે. પ્રકૃતિ પ્રેમી બનીએ, સૌ સાથે મળી પ્રકૃતિને બચાવવા આગળ વધે.  જળ મહોત્સવ એ જળના મહત્વને પ્રસ્થાપિત કરે છે, આપણે સૌએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે જળ સંરક્ષણ, વૃક્ષારોપણ જેવા કાર્યો કરવા જરુરી છે, આગામી પેઢીના ભવિષ્ય માટે આ કાર્યો ઉપયોગી થશે તેમ ઉમેર્યુ હતુ. પ્રકૃતિ, સંસ્કૃતિ અને સાહિત્ય સાથે વિરાસત જાળવી પ્રગતિ થઇ શકે. મંત્રીશ્રીએ જળ એ જ જીવન છે, જળથી સમૃધ્ધિ, જળથી ભવિષ્ય, જળથી અસ્તિત્વ, જળ છે તો વિકાસ છે’  ના નાદ સાથે સભા સ્થળ ગુંજાવી દીધું હતું. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબેએ, દુધાળા સ્થિત હેતની હવેલી ખાતેના ટેન્ટ સિટી, બર્ડ પાર્ક, વોટર સ્પોર્ટ્સ, બોટનિકલ ગાર્ડનની (અમૃતવન) સહિતના જળ ઉત્સવના આકર્ષણોની  મુલાકાત લીધી હતી. લાઠીના દુધાળા ખાતે થયેલા જળ સંગ્રહ માટેના વિકાસ કાર્યો બદલ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ ગુજરાત રાજય સરકાર, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને ધોળકિયા ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. પ્રાસંગિક ઉદ્દબોધનમાં સાસંદશ્રીએ, જળ સંગ્રહના કાર્યોનો લાભ દરેક નાગરિકને મળે અને રાષ્ટ્રના હિત અને રાષ્ટ્રના વિકાસ માટે સહભાગી થવા અનુરોધ કર્યો હતો.  

             જળ સંગ્રહના કાર્યો અને દુધાળા ખાતેના ૧૦ દિવસીય જળ મહોત્સવ કાર્યક્રમના આયોજન માટે ગુજરાત રાજય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના સહકાર બદલ શ્રી સવજીભાઈ ધોળકિયાએ આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. શ્રી સવજીભાઇએ જળ ઉત્સવ કાર્યક્રમ એ સરકાર, સમાજ, સરકારી સેવામાં હોય તે તમામના ઉત્તમ પ્રયાસો થકી સંપન્ન થયો હોય, આ કાર્યક્રમ એ ‘સબ કા સાથ સબ કા વિકાસ’ સંપ-એકતાના પ્રતિકસમો હોવાનું કહ્યું. તેમણે યુવાનો સહિતના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ માટેના કાર્યો કરવા નેતૃત્વ કરવા માટે અનુરોધ કર્યો હતો.

        મહત્વનું છે કે, દુધાળા ખાતે યોજાયેલા ૧૦ દિવસીય જળ મહોત્સવ-૨૦૨૩માં અનેક લોકોએ મુલાકાત લઇ જળ સંરક્ષણના કાર્યોને નિહાળી પ્રેરણા મેળવી હતી. લોકમેળા સહિતના આકર્ષણોનો મુલાકાતીઓએ આનંદ માણ્યો હતો. લાઠી-લીલીયાના ખારાપાટ વિસ્તારમાં આવેલ ગાગડિયા નદીને ઉંડી ઉતારી તેમાં જળસંગ્રહના થયેલા કાર્યો ગુજરાત રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યા છે તેને આગળ ધપાવતા જળ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

            જળ ઉત્સવ સમાપન સમારોહમાં આભાર દર્શન લાઠી-બાબરા પ્રાંત અધિકારીશ્રી નીરવ બ્રહ્મભટ્ટે કરી હતી. ઉપરાંત સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કેવલ મહેતાએ કર્યું હતુ. જળ ઉત્સવ સમાપન સમારોહ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા,  લાઠી-બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા, કાર્યકારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, ગીર પૂર્વ ધારી રેન્જના નાયબ વન સંરક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા, વાઇલ્ડ લાઈફ-શેત્રુંજી નાયબ વન સંરક્ષક શ્રી જયંત પટેલ, રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારી શ્રી બરાસરા, અગ્રણી સર્વ શ્રી જીતુભાઈ ડેર, શ્રી ભીખાભાઈ ધોરાજીયા,  પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.     

Follow Me:

Related Posts