અમરેલી

ડબલ એન્જીન સરકારે ૨ વર્ષમાં પ્રજાના ટેક્ષના રૂ. ૮૨૬૫ કરોડ રૂપિયા વધારે ચૂકવી અદાણી પાવર પાસેથી વીજળી ખરીદી : અમિત ચાવડા

આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો દ્વારા અદાણી પાવર કંપની પાસેથી કરારની શરતો કરતા વધારે ભાવે વીજળી ખરીદી કરોડો રૂપિયાનો અદાણી કંપનીને ફાયદો કરાવવા બાબતે અને પ્રજાના ટેક્ષના પૈસા માનીતા ઉદ્યોગપતિઓના ફાયદા પાછળ લુંટાવવા બાબતે ઉગ્ર વિરોધ સાથે પ્રશ્નોની તડાફડી કરવામાં આવી.

        વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી અમિત ચાવડા દ્વારા પ્રશ્નોત્તરીમાં ભાગ લેતા જણાવવામાં આવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૭માં અદાણી પાવર લી. સાથે પાવર પરચેજ એગ્રીમેન્ટ ૨૫ વર્ષ માટે કરવામાં આવેલ. વીજ ખરીદ એગ્રીમેન્ટ મુજબ બીડ-૧ અને બીડ-૨ અંતર્ગત રૂ. ૨.૮૯ પ્રતિ યુનિટ અને રૂ. ૨.૬૫ પ્રતિ યુનીટના ટેરીફે વીજ ખરીદ કરાર થયેલ હતા.

        પ્રશ્નોત્તરીમાં સરકાર દ્વારા અપાયેલ જવાબ અનુસાર સરકાર દ્વારા અદાણી પાવર લી. પાસેથી વર્ષ ૨૦૨૨માં ૬,૦૧૦ મિલિયન યુનિટ વીજળી સરેરાશ રૂ. ૭.૧૮૫ પ્રતિ યુનિટના ભાવે ખરીદી જે કરારમાં નક્કી થયેલ ટેરીફ કરતા અનેક ઘણા વધારે ભાવ છે, જેના કારણે સરકારે કંપનીને રૂ. ૪,૩૧૫ કરોડ વધુ ચુકવવા પડ્યા.

        વર્ષ ૨૦૨૩માં સરકારે કંપની પાસેથી સરેરાશ રૂ. ૫.૩૩ પ્રતિ યુનિટના ભાવે ૭,૪૨૫ મિલિયન યુનિટ વીજળી ખરીદી. જેના કારણે સરકારે કંપનીને રૂ. ૩,૯૫૦ કરોડ વધુ ચુકવવા પડ્યા.

        સરકાર દ્વારા ૨ વર્ષમાં અદાણી પાવર લી. પાસેથી વીજળી ખરીદીમાં એગ્રીમેન્ટના ટેરીફ કરતા વધુ ભાવે વીજળી ખરીદવાને કારણે પ્રજાના ટેક્ષના પૈસા એવા સરકારી તિજોરીમાંથી રૂ. ૮,૨૬૫ કરોડ વધુ ચૂકવ્યા છે. વીજ ખરીદ કરાર ૨૫ વર્ષનો હોય વર્ષ ૨૦૩૨ સુધી કરારની મુદત હોય કરારની શરતોની સમીક્ષા કરવામાં આવે, પ્રતિ વર્ષ અંદાજે ૪,૦૦૦ કરોડનું વધુ ચુકવણું કરવું પડે તે ખુબ જ ગંભીર બાબત છે.

        પ્રજાના ટેક્ષના પૈસા પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ફાયદો કરાવવા લુંટાવવામાં આવે તે ખુબ જ ગંભીર બાબત છે. અદાણી કંપની સાથેના કરારની સમીક્ષા કરી, કરાર મુજબ વીજ સપ્લાય કરવામાં અસમર્થતા હોય તો કરાર રદ કરે, નવેસરથી બીડ કરવામાં આવે જેથી પ્રજાના પૈસા લુંટાતા અટકે.

Related Posts