રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા,નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સહિતના મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીશ્રીઓ ભૂલકાઓને કરાવશે શાળા પ્રવેશ
અમરેલી જિલ્લામાં તા.૨૬ જૂન, ૨૦૨૪ને બુધવારથી ત્રિ- દિવસીય શાળા પ્રવેશોત્સવ -૨૦૨૪નો પ્રારંભ થશે. જિલ્લામાં ધોરણ-૧માં ૬,૬૨૨ કન્યા અને ૬,૯૬૧ કુમાર એમ ૧૩,૫૮૩ ભૂલકાઓને રંગેચંગે શાળા પ્રવેશ થશે. ૪,૬૩૦ જેટલા ભૂલકાંઓ આંગણવાડીમાં પણ પ્રવેશ મેળવશે.રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનશે. મંત્રીશ્રી તા.૨૮ જૂન, ૨૦૨૪ને શુક્રવારના રોજ ધારી તાલુકાના કરમદડી, જીરા અને સરસિયા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહી ભૂલકાંઓને આવકારશે.
નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા જુદી જુદી પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં સહભાગી બનશે. અમરેલી જિલ્લા કલેકટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.જિલ્લાની ૭૭૩ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. જેમાં ભૂલકાઓને સ્કુલ બેગ સાથેની શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની પ્રાથમિક શાળામાં ભૂલકાઓ રંગેચંગે અને ઉત્સાહભેર શાળા પ્રવેશ મેળવશે.
Recent Comments