મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે ખરીદી તા.૩ થી તા.૩૧ ઓક્ટોબર સુધી ઓનલાઇન નોંધણી
ભારત સરકાર દ્વારા ખરીફ ૨૦૨૪-૨૫માં પ્રાઇસ સપોર્ટ સ્કીમ (PSS) એટલે કે ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબિનની ખરીદી થશે. ભારત સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ (૧૦૦ કિ.ગ્રા) મગફળી માટે રૂ.૬,૭૮૩, મગ રૂ.૮,૬૮૨, અડદ રૂ.૭,૪૦૦ અને સોયાબિન રૂ.૪,૮૯૨ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબિનનું વાવેતર કર્યું હોય અને ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા હોય તેવા ખેડૂતોએ ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા.૩/૧૦/૨૦૨૪ થી તા.૩૧/૧૦/૨૦૨૪ દરમિયાન રજિસ્ટ્રેશન કરાવવું. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (વીસીઈ) મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધ પોર્ટલ પર કરવાની રહેશે. ઓનલાઇન નોંધણી થયેલ ખેડૂતોની જ ખરીદી કરવામાં આવશે.
ગ્રામ્ય “વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર” (વીસીઈ) મારફતે નોંધણી કરવામાં આવી રહેલ છે.જો કોઇ ઇ-ગ્રામ સેન્ટર બંધ હોય તો નજીકના ગામના ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી થઇ શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત રહેશે. જે વિનામૂલ્યે કરવામાં આવનાર છે.
ખેડૂતોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે આપવાના થતાં ડોક્યુમેન્ટમાં આધારકાર્ડ (ફરજીયાત), ૭/૧૨, ૮-અ નકલ, ફોર્મ નંબર-૧૨માં વાવેતરની નોંધ ના હોઇ તો ઉક્ત પૈકી જે પાકની નોંધણી કરવામાં આવે છે તે સર્વે નંબરમાં વાવેતર કર્યાનો તલાટીનો દાખલો, બેંક પાસબુક અને IFSC કોડ અથવા કેન્સલ ચેક તેમજ આધારકાર્ડ રજીસ્ટ્રેશન માટે ફરજીયાત છે. તેમ ભાવનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યું છે.
Recent Comments