fbpx
અમરેલી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દુધાળામાં ગાગડીયો નદી પર નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમરેલી જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં દુધાળા ખાતે ગાગડીયો નદી પર નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કર્યું હતું.વડાપ્રધાનશ્રીએ કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિમોટની સ્વીચ દબાવી ૭૦ એકરમાં નિર્મિત અને ૨૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ભારત માતા સરોવરની તકતીનું અનાવરણ કર્યું હતું.વડાપ્રધાનશ્રી સહિતના મહાનુભાવો આ તકે પ્રદર્શનીના માધ્યમથી ગાગડીયો નદીના નવસર્જન અને જળસંચયનાં કામોથી અવગત થયા હતા. આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતમાતા સરોવર સહિતના જળસંચયના કામોનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી અમરેલી જિલ્લામાં ગાગડીયો નદીનું નવસર્જન થયું છે. બાબરાના ચમારડી ગામેથી ઉદ્ભવતી ગાગડીયો નદી પર જળસંચયના કામોથી સરોવર -ચેકડેમની હારમાળા સર્જાઈ છે. ગાગડીયો નદી પર આશરે ૩૦ જેટલા ચેકડેમ સરોવર બાંધવામાં આવ્યા છે.મહત્વનું છે કે, ગાગડીયો નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરીથી આ વિસ્તારમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા છે. આ સાથે અમરેલી જિલ્લાના લાઠી- લીલીયા તાલુકાના ખેડૂતોને પરોક્ષ સિંચાઈનો લાભ મળી રહ્યો છે.ગાગડીયો નદી પર જળરાશિથી છલોછલ ભરેલા સરોવર-ચેકડેમથી નયનરમ્ય નજારો સર્જી રહ્યા છે.

ભારતમાતા સરોવરની લોકાર્પણ વેળાએ રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, ધોળકિયા ફાઉન્ડેશનના પદ્મશ્રી શ્રી સવજીભાઈ ધોળકિયા,  સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹૩૫ કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના ૪.૫૦ કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે. આ સાથે તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે. ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં ૨૦ કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ‘ભારતમાતા સરોવર’ નામ આપવામાં આવ્યું છે.મહત્વનું છે કે, હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે ૨૪.૫૦ કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે, જેના લીધે આસપાસના ગામોમાં પાણીની સગવડ થઈ છે, અને ગામના ખેડૂતોને સિંચાઇ માટે પરોક્ષ રીતે લાભ મળ્યો છે.

Follow Me:

Related Posts