ગુજરાત

હીરા ઉદ્યોગની મંદીના કારણે ૫૦ કરતા વધુ રત્ન કલાકારોએ આત્મહત્યા કરી, સરકાર તાકીદે આર્થિક પેકેજ જાહેર કરે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવે. : અમિત ચાવડા

ગુજરાત સરકારના વર્ષ 2025-26 ના બજેટની ચર્ચામાં ભાગ લેતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર ધ્વારા રજૂ કરવામાં આવેલા બજેટને માત્ર ગરીબ, યુવા, ખેડૂત અને નારીની ઉપેક્ષા કરતું નિરાશાજનક બજેટ ગણાવી વિધાનસભા ગૃહમાં પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું.
શ્રી અમિત ચાવડાએ ગૃહમાં પોતાનાં પ્રવચનમાં જણાવ્યું હતું કે જનતાના ટેક્સના પૈસાથી જયારે રાજ્ય સરકારનું બજેટ બને ત્યારે રાજ્યની જનતાને આશા અને અપેક્ષા હોય છે કે આ બજેટથી મોંઘવારી ઘટશે, રોજગારી મળશે, સલામતી મળશે, સમૃદ્ધિ આવશે. પરંતુ આ વર્ષનું બજેટ જોઈને ગુજરાતની પ્રજાની જે આશા અને અપેક્ષા હતી તેના ઉપર ઠંડુ પાણી રેડવાનું કામ રાજ્યના નાણામંત્રીશ્રીએ કર્યું છે.


શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે આ વર્ષના બજેટને જોઈએ તો ખેતી, ખેડૂત અને ગામડાઓનો છેદ ઉડાડનારું બજેટ છે. કોંગ્રેસની સરકારો હતી એ નીતિઓ અને બજેટના કારણે આ જ રાજ્યમાં જે ખેત મજૂરો હતા, ગણોતિયા હતા તેને કાયદાથી રક્ષણ આપી અને ખેત મજૂર, ગણોતિયામાંથી ખેડૂત બનાવવાનું જો કોઈએ કામ કર્યું હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યું છે. અને ભારતીય જનતા પાર્ટીની નીતિ, રીતિ અને બજેટોને કારણે આજે એ જ ખેડૂતોની જમીનો વેચાઈ રહી છે અને ફરીથી ખેડૂતમાંથી દાડીયા બનવાના દિવસો આવ્યા છે. કોંગ્રેસના શાસનમાં હરિત ક્રાંતિ થઈ, શ્વેત ક્રાંતિ થઈ, પશુપાલકો અને ખેડૂતોને આર્થિક સમૃદ્ધ બનાવ્યા, સક્ષમ બનાવ્યા અને સાથેસાથે એમને તમામ પ્રકારની તાકાત આપી જેથી કરીને આગળ વધી શકે.


કોંગ્રેસ સરકારના શાસનને યાદ કરતા શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે ગાંધીજીનું સ્વપ્ન હતું કે ગામડા સદ્ધર બને, સમૃદ્ધ બને, તમામ રીતે સ્વાવલંબી બને અને એ જ નીતિઓને આગળ લઈને કોંગ્રેસના શાસનમાં પંચાયતી રાજ વ્યવસ્થા આવી, ગામડાઓમાં પ્રાથમિક શાળાઓની શરૂઆત થઈ, આરોગ્યની સુવિધાઓ થઈ. સ્થાનિક રોજગાર મળે એટલા માટે પછાત વિસ્તારો સુધી, આદિવાસી વિસ્તારો સુધી જીઆઇડીસીની સ્થાપનાઓ કરવામાં આવી અને એના જ કારણે ગામડા સક્ષમ પણ બન્યા અને સમૃદ્ધ પણ બન્યા.


શ્રી અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે છેલ્લા ૩૦ વર્ષની નીતિઓ જોઈએ તો સતત જે રીતે બજેટની ફાળવણી કરવામાં આવે છે તેના કારણે ફરીથી ગામડાઓ ભાંગી રહ્યાં છે, ગામડામાંથી મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર થઈ રહ્યું છે. શહેરીકરણને પ્રોત્સાહન આપો છો તેના કારણે શહેરોમાં ગીચતા વધી રહી છે, વસતિ વધારો થઈ રહ્યો છે, ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે, પ્રદૂષણ વધી રહ્યું છે અને સાથેસાથે ગુનાખોરી પણ મોટા પ્રમાણમાં વધી રહી છે.


આ જો બજેટના આંકડા જોઈએ તો જે રીતે કૃષિ માટેનું બજેટ ફળવાયું દરેક રાજ્યોનો અભ્યાસ કરીએ તો જે બજેટ ફળવાય તેના માંથી કૃષિનો જે ખર્ચ થાય છે તે નેશનલ એવરેજ ૬.૩ ટકાની છે જયારે ગુજરાતની એવરેજ ૪.૩ ટકાની છે. ગયા બે વર્ષોની સરખામણી કરીએ તો ૨૦૨૪-૨૫ના બજેટમાં કૃષિ માટેનો જે ખર્ચ છે તે ૬.૩ ટકા છે અને તેની સામે આ ૨૦૨૫-૨૬નો અંદાજ છે તે મુજબ ૪.૩ ટકા છે એટલે તેમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. એ જ રીતે ગ્રામ વિકાસની વાત કરીએ એટલે ગામડાઓને સમૃદ્ધ કરવાની વાત કરીએ તો બજેટના જે આંકડા છે તે નેશનલ એવરેજ ૫.૧ ટકાની છે તેની સામે ગુજરાતની એવરેજ ૨.૬ ટકાની છે.


ખેડૂતોની ચિંતા કરતા શ્રી અમિત ચાવડા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષે ૨૦૨૪-૨૫માં ૮૫૦ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી જે આગળના વર્ષોની સરખામણી કરીએ તો ૧૦ ટકા કરતા પણ વધારે ખેડૂતોના આત્મહત્યાના દરમાં વધારો થયો છે.
અમિત ચાવડાએ રાજ્ય સરકારના બજેટમાં ઉપેક્ષા પામેલ રાજ્યના પાયાના સોશ્યલ સેક્ટર- જેવા ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, ગ્રામ વિકાસ, એસ.ટી., એસ.સી., ઓ.બી.સી., માઈનોરિટી માટેના કલ્યાણ વેલ્ફેરની જે સ્કીમો છે તેના માટેનું બજેટ ૮ ટકા છે, જે જીડીપીની રકમ આ સોશ્યલ સેક્ટરમાં વપરાવવી જોઈએ જે મહારાષ્ટ્રમાં ૬ ટકા ફળવાય છે, કર્ણાટકમાં ૫.૭ ટકા ફળવાય છે, તામિલનાડુમાં ૫ ટકા ફળવાય છે જયારે ગુજરાતમાં ફક્ત ૪.૩૦ ટકા ફળવાય છે.
સરકાર ધ્વારા વારંવાર ઉલ્લેખ કરવામાં આવેલ GYAN મુદ્દે તેમણે જણાવ્યું કે (GYAN) જેમાં G એટલે ગરીબ, Y એટલે યુવાનો, A એટલે અન્નદાતા એટલે N નારીશક્તિ, પરંતુ ગુજરાતના ગરીબોની ચિંતા બિલકુલ નથી, એનું કલ્યાણ કરવાના બદલે એના ઘર પર બુલડોઝર ફેરવવામાં આવે છે, ૩૦ વર્ષના શાસન પછી ગુજરાતના ગરીબો ફૂટપાથ પર સુવા મજબૂર છે. આજે ૩૬ ટકા યુવાનો છે પરંતુ લાખો યુવાનો બેરોજગાર છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ બેઝ, આઉટસોર્સથી એનું શોષણ અટકતું નથી. સમાન કામ, સમાન વેતનના અધિકાર માટે આજે પણ એ સંઘર્ષ કરવો પડે છે,


વધુ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું કે, અન્નદાતાની વાત કરે છે પરંતુ ખાતર, બિયારણ, પાણી મોંઘા થયા અને બધી જ રીતે મોંઘવારી છતાં પણ ઉત્પાદનના પૂરતા ભાવો મળતા નથી. આજે પણ ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. પરંતુ એના દેવા નાબૂદીની વાત બજેટમાં નથી. નારીના સન્માનની વાતો કરીએ છીએ. આજે બળાત્કારો બેફામ થાય છે. ૫૦૦ રૂપિયામાં ગેસનો બાટલો મળશે. એ આશા બહેનોની ઠગારી નીવડી. બીજા રાજ્યની બહેનો લાડલી છે પરંતુ આપણા ગુજરાતની બહેનો લાડલી નથી. ગુજરાતમાં આજે આશા વર્કર અને તેડાગર બહેનો છે એ પોતાના પગાર વધારોવા માટે સંઘર્ષ કરી રહી છે. વિધવા બહેનો પોતાની સહાય વધારવાની માગણી કરી રહી છે પરંતુ સરકાર એના માટે બજેટમાં નથી લાવતી.


દેશ અને વિદેશમાં નામના મેળવેલ હીરા ઉદ્યોગના કથળતી સ્થિતિ અને બેકાર બની રહેલ હીરા કારીગરોની ચિંતા કરી શ્રી અમિત ચાવડાએ સ્પેશ્યલ આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે હીરા ઉધોગ આજે મંદીમાં છે, ૧૦ લાખ કરતાં વધારે બેકાર રત્નકલાકારો આજે એમની આર્થિક પરિસ્થિતિ વિકટ બની ગઈ છે, ગયા વર્ષની વાત કરીએ ૫૦% કરતાં વધારે રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે, જેથી હીરા ઉદ્યોગને મંદી માંથી બહાર લાવવા માટે અને રત્ન કલાકારોના કલ્યાણ માટે કોઈ આર્થિક પેકેજની જાહેરાત કરે અને એના કલ્યાણ બોર્ડની રચના કરવાની મારી માગણી છે.


શ્રી અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે નાના માણસ પાસેથી પઠાણી ઉઘરાણી કરીએ છીએ પરંતુ ૬૦ હજાર કરોડ રૂપિયા મોટા વેપારીઓ પાસેથી વસૂલવાના બાકી છે. એમાંથી ૨૧ હજાર કરોડ રૂપિયા જેટલી રકમ ૧૦ વર્ષથી વધારે સમયથી બાકી છે અને કોઇપણ જાતના વિવાદ ન હોય એવી ૩૨ હજાર કરોડ જેટલી રકમ છે, એ પાછી લાવો તો ગુજરાતમાં ગરીબોને પાકા મકાનો આપી શકાય, ખેડૂતોના દેવા માફ કરી શકાય, સમાન કામ, સમાન વેતનનો અધિકાર આપી શકાય અને એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. અને માઇનોરિટીને બજેટ ફાળવવામાં થતો સતત અન્યાય રોકી શકાય.

Follow Me:

Related Posts