અમરેલી તા.૧૧ એપ્રિલ, ૨૦૨૫ (શુક્રવાર) આગામી તા.૧૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ લાઠી તાલુકાના ભુરખીયા ગામે હનુમાન જયંતિના ધાર્મિક તહેવારની ઉજવણી થશે. આ પ્રસંગે મોટો મેળો ભરાશે. મેળામાં આશરે એકથી બે લાખ લોકો એકત્ર થાય તેવો અંદાજ છે. ભુરખીયા ગામ દર્શનાર્થે નાગરિકો પગપાળા પણ આવે છે.
આ સ્થિતિમાં ટ્રાફિકના સુચારુ સંચાલન માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિલિપસિંહ ગોહિલે ગુજરાત પોલીસ અધિનિમિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કરી, લાઠી-ભુરખીયા-દામનગર રોડ ઉપર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ ફરમાવ્યો છે. ભારે વાહનોના ચાલકોએ તા.૧૧ એપ્રિલ, ૨૦૨૫ બપોરે ૩.૦૦ કલાકથી તા.૧૨ એપ્રિલ, ૨૦૨૫ રાત્રે ૧૨.૦૦ કલાક સુધી વૈકલ્પિક રુટ અનુસરવો.
વૈકલ્પિક રુટ-૦૧ : અમરેલી તરફથી લાઠી જતાં વાહનોએ વાયા ચિતલ-બાબરા-ચાવંડ રોડ પરથી પસાર થવું.
વૈકલ્પિક રુટ-૦૨ : ચાવંડથી અમરેલી તરફ આવતા વાહનોએ બાબરા-ચિતલ-અમરેલી રોડ પરથી પસાર થવું.
વૈકલ્પિક રુટ-૦૩ : લાઠીથી દામનગર રુટ પર જતાં-આવતાં ભારે વાહનોએ પ્રતાપગઢ-ભોરીંગડા-છભાડીયા-દામનગર રોડ પરથી પસાર થવું. જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧માં દર્શાવવામાં આવેલી શિક્ષાને પાત્ર થશે.
Recent Comments