સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું કરાયું નિવૃત્તિ સન્માન
ભાવનગર મંગળવાર તા.૧-૭-૨૦૨૫
સામાન્ય ગૃહિણીમાંથી સિહોર આંગણવાડી વિભાગનાં વડા બનેલ શ્રી હેમાબેન દવેને નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું. સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું સન્માન અભિવાદન કરવામાં આવ્યું.
ઈશ્વરિયા ગામમાં સામાન્ય ગૃહિણીમાંથી મધ્યાહ્ન ભોજન અને ગામમાં આંગણવાડી સંચાલક બાદ ઘર બેઠા અભ્યાસ કરીને સંકલિત બાળવિકાસ યોજના સિહોર કચેરીમાં નિરીક્ષક બન્યાં, સિહોર આંગણવાડી વિભાગ કચેરીમાં ફરજ પરનાં વડા પણ બન્યાં અને તેમનાં કાર્યક્ષેત્રમાં આંગણવાડીઓમાં સરકારની યોજનાઓ સાથે સમાજને જોડવાનું સુંદર કામ કરનાર શ્રી હેમાબેન દવે નિવૃત્ત થતાં સિહોર કચેરીમાં મહાનુભાવો અને આંગણવાડી પરિવાર દ્વારા ઉષ્માભર્યું નિવૃત્તિ સન્માન અભિવાદન કરવામાં આવ્યું.
સિહોર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લીલાબેન મકવાણા, તાલુકા પંચાયત અધિકારી શ્રી વામનભાઈ ગોસ્વામી, શ્રી કિશોરસિંહ ગોહિલ તેમજ આંગણવાડી પરિવાર દ્વારા વિદાય લેતાં શ્રી હેમાબેન દવેનું બહુમાન કરવામાં આવેલ અને આ પ્રસંગે અગ્રણી શ્રી કરણસિંહ મોરી, શ્રી મૂકેશકુમાર પંડિત તેમજ શ્રી ચીમનભાઈ દવે અને આંગણવાડી પરિવારની બહેનોએ ભાવસભર તેઓનાં કાર્યની પ્રશંસા કરી શુભકામનાઓ પાઠવી.
સન્માનિત શ્રી હેમાબેન દવેએ તેમના પ્રતિભાવમાં આભારની લાગણી વ્યક્ત કરવા સાથે આ બહેનોને આંગણવાડીમાં આવતાં બાળકોને વાત્સલ્ય સાથે સાચવવા અનુરોધ કર્યો અને સામાજિક સંઘર્ષોનો હિંમત સાથે સામનો કરવાથી સફળતા મળતી હોવાનું જણાવ્યું.
કુમારી આશિકા રાઠોડના સંચાલન સાથે સંકલિત બાળવિકાસ યોજના કચેરીનાં શ્રી ધ્રુવભાઈ મહેતા, શ્રી શિવમભાઈ દવે, શ્રી દુર્ગાબેન બાબરિયા, શ્રી રીટાબેન શુક્લ, શ્રી સવિતાબેન ગોહિલ, શ્રી નયનબેન પંડ્યા, શ્રી રાજેશ્વરીબા સરવૈયા સાથે શ્રી સ્મિતાબેન ચૌહાણ સહિત તાલુકાની આંગણવાડી પરિવારની બહેનોએ ઉષ્માભરી વિદાય આપી. આ પ્રસંગે કાર્યકર્તા અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી અભિવાદન કરેલ.


















Recent Comments