અમરેલી

રફાળા ગામના શિક્ષિકા ભાવનાબેન માલવીયાએ બહેનોનેસ્વરોજગારી માટે કર્યા પ્રોત્સાહિત : બગસરાના વિશ્વ વાત્સલ્ય માનવસેવાટ્રસ્ટે આપી બહેનોને વિશેષ તાલીમ આપી આત્મબળમાં ઉમેરો કર્યો

અમરેલીતા.૧ જુલાઈ૨૦૨૫ (મંગળવાર)  અમરેલી જિલ્લાના રફાળા ગામની ગોલ્ડન વિલેજ તરીકેની એક આગવી ઓળખ તો છે જ. પરંતુ તેને હજુ એક નવી ઓળખ મળે તો નવાઈ નહિ! આ ગામની સ્વ સહાય જૂથ – સખી મંડળની બહેનોએ વિવિધ ઔષધિય પદાર્થોના મિશ્રણથી, અગાઉ નામ ન સાંભળ્યા હોય તેવા અવનવા ૩૫ પ્રકારના જુદાં-જુદાં સાબુ અને અન્ય સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ બનાવી અને તેના વેચાણ દ્વારા સ્વરોજગારીનો માર્ગ પ્રશસ્થ કર્યો છે.

આશરે ૮૦૦ નાગરિકોની વસ્તી ધરાવતા બગસરા તાલુકાના રફાળા ગામે અશક્યને શક્ય બનાવી મહિલા રોજગારીના કાર્યને વેગવંતું કર્યુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજના, એક શિક્ષિક બહેન અને સેવાકીય સંસ્થાના સહિયારા પ્રયાસ ઉપરાંત કંઈક નવું કરવા માટેની બહેનોની ધગશ અને મહેનતના સરવાળાએ રફાળાને ખરાં અર્થમાં ગોલ્ડન વિલેજ બનાવ્યું છે.

રફાળા ગામની સખી મંડળની બહેનોએ ઘરકામ, પશુપાલન, ખેતી કાર્ય અને પારિવારિક જવાબદારીઓ સાથે આર્થિક રીતે સ્વનિર્ભર થવાની નેમ લીધી હોય તેમ ઘરબેઠાં કંઇક અલગ કરવું તેમ વિચાર્યુ હતું, તેમના આ ઉદ્દેશ્યને પાર પાડવા બગસરાના વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટે આ બહેનોને સ્વરોજગારી માટે પ્રોત્સાહિત કર્યા, આ બહેનોને વિશેષ તાલીમ આપી તેમના આત્મબળમાં ઉમેરો કર્યો અને આ મહિલાઓની કુનેહને નવી દિશા આપવાનું સોનેરી કાર્ય કર્યુ છે, જે કાર્યએ ગોલ્ડન વિલેજ રફાળાની બહેનોને સોનેરી દિશા માટેના પગલાઓ ભરવામાં સહાય મળી.

કુદરતી તત્વો અને વિવિધ ઔષધિઓના મિશ્રણથી ભરપૂર અવનવા ૩૫ પ્રકારના સાબુ,  હેર ઓઇલ, શેમ્પૂ, કન્ડિશનર, ત્રણ પ્રકારના ફેઈસ પેક સહિત વિવિધ સૌંદર્ય પ્રસાધનની ચીજવસ્તુઓ બનાવી સ્વરોજગારીનો નવો માર્ગ કંડારી અનેક મહિલાઓને ઘરબેઠાં કંઇ વિશેષ કરવાનો પ્રેરક સંદેશ પૂરો પાડ્યો છે.

રફાળા ગામમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રીમતી ભાવનાબેન રાકેશભાઈ માલવિયા બહેનોને રચનાત્મક અને આર્થિક રીતે પગભર બને તે માટે પ્રયાસો શરુ કરે છે, આ માટે તેમણે બગસરા ખાતે કાર્યરત વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટની મદદથી આર્થિક પ્રવૃત્તિઓમાં જોડવાનું શરુ કર્યું, ગામમાં સખી મંડળોની રચના થઇ.

બચત કરવાની સાથે મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે માટે ઔષધીય પદાર્થોના મિશ્રણથી સૌંદર્ય પ્રસાધનની સાબુ સહિતની ચીજવસ્તુઓ બનાવવા માટે મહિલાઓને ખાસ તાલીમ વિશ્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી, મહિલાઓને તાલીમ આપી તેમને કંઇક કરવા તેમનામાં રહેલા આંતરિક સૂઝ અને કુનેહને કામે લગાડવા માટે પ્રેરણા પૂરી પાડી, સતત પ્રોત્સાહિત કર્યા. તેના પરિણામે રફાળાના બહેનો વિવિધ એક્ઝિબિશનમાં ભાગ લે છે. વધુમાં તે હાથ બનાવટની વસ્તુઓનું વેચાણ ઓનલાઇન માધ્યમથી અને ઘરબેઠાં વેચાણ કરી રહ્યા છે.

શ્રીમતી ભાવનાબેન માલવિયા કહે છે કે, એકસાથે ઘણી બધી જવાબદારીઓ નિભાવતા બહેનો પ્રવર્તમાન સમયે આર્થિક રીતે પગભર બને તે જરુરી છે.  ગોપી, ગોલ્ડન અને ગૌમુખી સખી મંડળના બહેનોએ કાકડી, ટમેટા, બટેટા, ચંદન, કેસુડા, લીમડો, એલોવેરા, નીમ, હની બેસન, તુલસી મુલતાની માટી, પપૈયા, બેસન,  કોફી અને મુલતાની માટીનો થ્રી લેયર શોપ, હેર વોશ માટે શિકાકાઈ, અરીઠાં અને આમળાં સહિતના ભારતીય ઔષધિઓના સાબુ,  જુદાં-જુદાં ફેસપેક બનાવ્યા છે, જેનું વેચાણ સારી રીતે અને સારી માત્રામાં થઇ રહ્યુ છે.

ગોલ્ડન સખી મંડળના પ્રમુખ શ્રીમતી પંછીલાબેન રજનીશભાઈ વેકરિયા જણાવે છે કે, ચાર વર્ષથી બહેનોએ સખી મંડળના માધ્યમથી આર્થિક બચત કરી છે. આ દરમિયાન વિશ્વ માનવ સેવા ટ્રસ્ટના જરુરી સહયોગ અને તાલીમની મદદથી ૩૫ ફ્લેવર્ડના સાબુ, હેર ઓઇલ, કન્ડિશનર, લીપ બામ બનાવી સફળતા મેળવી, તેનું ખૂબ સારું વેચાણ કરી મહિને અંદાજે રુ.૩૦,૦૦૦નું વેચાણ થઈ રહ્યું છે.

બી.સી.એ. નો અભ્યાસ કરેલી અને ગોપી સખી મંડળ સાથે જોડાયેલી યુવા સભ્ય પ્રિયા બાંભરોલિયા કહે છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ થકી ઓનલાઈન હર્બલ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ઘરબેઠાં અને એક્ઝિબિશનના માધ્યમથી પણ આ પ્રોડક્ટસનું માર્કેટિંગ થાય છે,  આ આયુર્વેદિક ચીજ વસ્તુઓનું વેચાણ વધી સતત રહ્યું છે. અમે બધા બહેનો આ ચીજવસ્તુઓના જથ્થાની માંગને પહોંચી વળવા સતત અને સખત ઉદ્યમ કરીએ છીએ. 

રફાળા ગામે ગોલ્ડન, ગોપી, ગૌમુખી, ગોમતી અને આંબેડકર સ્વ સહાય જૂથ કાર્યરત છે. આ પાંચ જૂથના બનેલા વિલેજ ઓર્ગેનાઇઝેશનને રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક સખીમંડળ માટે રુ.૧.૫૦ એટલે કે ૫ સખી મંડળ માટે  કુલ રુ.૭.૫૦ લાખનું અનુદાન પણ આપવામાં આવ્યું છે.

Related Posts