અમરેલી

સાવરકુંડલામાં “સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ” દ્વારા ૧૪૦૦ પરિવારોને તાડપત્રીનું વિતરણ: “સેવા યજ્ઞ” સંપન્ન

“માનવ સેવા એ જ પ્રભુ સેવા”ના ઉમદા સિદ્ધાંતને સાર્થક કરતા, સાવરકુંડલા સ્થિત “સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ” દ્વારા એક ભવ્ય “સેવા યજ્ઞ”નું આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુ ભાઈ મલેક અને ઉપપ્રમુખ ઈરફાનભાઈ ગોરીના સક્રિય નેતૃત્વ હેઠળ, ૧૪૦૦ અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું. આ પહેલ ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને વરસાદી પાણીથી રક્ષણ પૂરું પાડશે. આ “સેવા યજ્ઞ”માં કુલ ૬ ટનથી વધુ તાડપત્રી નું વિતરણ કરાયું હતું. આ પુણ્યકાર્ય ના મુખ્ય દાતા માં  જાવેદભાઈ રાજ, આસિફભાઈ હિંગોરા રચકા વાળા, અને હાજી હયાતખાન બ્લોચ નો સમાવેશ થાય છે. ભોજન પ્રસાદ ના દાતા તરીકે મનીષા દીદી મા બાપનું ઘર એ ઉપસ્થિત સૌને સ્વાદિષ્ટ ભોજન કરાવી સેવાભાવ દર્શાવ્યો હતો. આ વિતરણ કાર્યક્રમમાં માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુ, તપસી ગીરી બાપુ, ખોડીયાર આશ્રમ ધુણેશ્વર ભારતી બાપુ, તત્કાલ માં આશ્રમ હીરા ગીરી માતાજી, તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ ભાઈ કાનાણી, સાવરકુંડલા તાલુકા શહેર પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિત અનેક સંતો-મહંતો, રાજકીય આગેવાનો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ એકતા મંચ ગુજરાત ના પ્રેસિડેન્ટ ઈમ્તિયાઝ ભાઈ પઠાણે પણ હાજરી આપી હતી. ઉત્સાહી સ્વયંસેવકો ના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. આ પ્રસંગે પિન્ટુ ભાઈ મલેકે જણાવ્યું કે, “અમારો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ પાયાની સુવિધાઓ થી વંચિત ન રહે. આ તાડપત્રી વિતરણ અમારી પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. અમે માનીએ છીએ કે સાચી સેવા એ જ છે જે જરૂરિયાતમંદ સુધી સીધી પહોંચે.” “સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ” સાવરકુંડલા માં વર્ષભર શિક્ષણ સહાય, તબીબી આવશ્યકતાઓ અને દૈનિક જીવનની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા સહિત વિવિધ સેવા પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવા લોક કલ્યાણના કાર્યો માટે કટિબદ્ધ છે અને સમાજના તમામ સભ્યોને આ “સેવા યજ્ઞ”માં જોડાઈને પોતાનો સહયોગ આપવા આહવાન કરે છે.

Related Posts