અમરેલી

પ્રાકૃતિક કૃષિના સંકલ્પની સાથે અદ્યતન ટેકનોલોજીના બખૂબી ઉપયોગનું દ્રષ્ટાંત

અમરેલીતા.૧૩ ઓગસ્ટ૨૦૨૫ (બુધવાર)  અમરેલી જિલ્લાના જરખીયા ગામના ખેડૂત શ્રી ભરતભાઈ ચોવટીયાના ધર્મ પત્નીને પગના તળિયામાં ત્રણેક વર્ષ સુધી અસહ્ય દુઃખાવો રહે છે, કેટલાય ડોક્ટર્સ પાસે તપાસ કરાવે છે, પણ દુઃખાવાનું કોઈ સચોટ કારણ કે કાયમી ઈલાજ મળતો નથી. ત્યારે તેમના એક સ્નેહી એક ગાય રાખવાની સલાહ આપે છે.

દવાખાનાના ખૂબ ધક્કા ખાયા પછી શ્રી ભરતભાઈ પણ આ સ્નેહીની સલાહ માની, પોતાના આંગણે ગાય બાંધે છે અને ચમત્કાર સર્જાય છે! ત્રણ મહિના સુધી ગાયના ઘી-દૂધ ખાધા પછી પત્નીના પગના તળિયાનો દુઃખાવો ગાયબ !

આ ઘટના શ્રી ભરતભાઈને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તરફ વળવા માટે સંકલ્પબધ્ધ કરે છે અને તેમની કૃષિ પદ્ધતિની દિશા પણ બદલી નાંખે છે. પ્રાકૃતિક કૃષિના સંકલ્પની સાથે અદ્યતન ટેકનોલોજીના બખૂબી ઉપયોગનું દ્રષ્ટાંત જરખીયાના આ ખેડુતે તાદ્રશ્ય કર્યુ છે.

વડીલોપાર્જિત, પોતાની અને તેમના ભાઈઓની ૧૫ વીઘા જમીનમાં છએક વર્ષથી પ્રાકૃતિક કરતા શ્રી ભરતભાઈના આંગણે ૩ ગાય, ૪ વાછરડી અને ૧ વાછરડાના ભાંભરવાનો રણકાર હવે નિત્ય ક્રમ છે.

લાઠી તાલુકાના ખેડૂત શ્રી ભરતભાઈ કહે છે કે, ગાયના અમૃત સમાન દૂધને વધુ પોષણક્ષમ બનાવવા માટે રોજબરોજની નીરણની સાથે ગાયોને સતાવરી, અશ્વગંધા, અરડૂસી, સરગવાના પાન, ટોપરા, સેંધા નમક, મકાઈનું ભૂસું સહિતના આહાર આપવામાં આવે છે. જેથી ગાયને આપવામાં આવેલા આ ખોરાકની અસર તેના દૂધ- ઘી પર પણ ઉતરે છે. આ ઉપરાંત વૈદિક પદ્ધતિથી ગાયના દૂધનું માખણ અને ત્યાર પછી તેનું ઘી તૈયાર કરવામાં આવે છે. વૈદિક પદ્ધતિથી તૈયાર થયેલું ગાયના દૂધનું આ ઘી આયુર્વેદિક અને ઉપચારની દ્રષ્ટિએ ઘણું ઉપયોગી છે એટલે આ ઘીનો પ્રતિકિલો ભાવ રુ.૨૫૦૦ છે.

તેઓ ગાયના ગોબર – ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં તો કરે જ છે. પણ તેમાંથી તેમણે પચીસેક જેટલી વિવિધ પ્રોડક્ટસ પણ બનાવી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી સર્જનની નવી દિશાઓના દ્વાર ખોલ્યા છે.

તાજેતરમાં યોજાયેલા રક્ષાબંધન પર્વને અનુલક્ષી ગાયના ગોબરમાંથી રાખડી તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત તોરણ, ગણેશજીની મૂર્તિ, ગૌમૂત્ર અર્ક, ગૌ ફિનાઈલ, પંચગવ્ય સાબુ, ધૂપ સ્ટીક, ધૂપના અડાયા,  હાથમાં અને ગળામાં પહેરવાના બેરખા તથા માળા વગેરે વસ્તુઓ બનાવે છે. આ સાથે વાઢીયા અને ધાધર માટેના મલમમાં પણ ગાયના મૂત્ર અને ગોબરનો ઉપયોગ કરવામ આવે છે, આમ કચરો માનવામાં આવતી ચીજવસ્તુઓમાંથી ઉત્તમ સર્જન થઇ શકે તેની પ્રતિતી તેમણે કરાવી છે.

તેમણે કહ્યુ કે, પ્રાકૃતિક કૃષિના વિવિધ આયામોના આધારે પંચસ્તરીય ફાર્મ પણ બનાવ્યું છે. જેમાં સીતાફળ, પપૈયા, દાડમ, હળદર, સરગવો સહિતના બાગાયતી અને વિવિધ કઠોળ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેથી પાકને સુયોગ્ય પોષણ મળવાની સાથે રોગ જીવાતનું નિયંત્રણ પણ થઈ શકે છે.

શ્રી ભરતભાઈ કહે છે કે, મારા ખેતરમાં એ તમામ બાબતને આવરી લેવા માંગું છું જે એક રસોડામાં ઉપયોગી થાય. અનાજ, કઠોળ, મરી, મસાલા જે જોઈતા હોય તેમાંથી મોટાભાગના પાકનું વાવેતર ખેતરમાં  કરીએ છીએ અને આ કૃષિ ઉત્પાદનોનું મૂલ્ય વર્ધન કરીને વેચાણ કરવામાં આવે છે.

તેમણે ઉમેર્યુ કે, આ ખેત ઉત્પાદનનું આશરે ૬૫ ટકા વેચાણ તો ઘર બેઠા જ થઈ જાય છે ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા મેળાઓ દ્વારા પણ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોને પ્લેટફોર્મ મળી રહે છે જેથી તેમાં પણ અમે આ કૃષિ પેદાશોનું વેચાણ કરીએ છીએ આમ કરવાથી લોકોને પણ પ્રાકૃતિક કૃષિ પેદાશો વિશે વધુ ખ્યાલ આવે છે.

શ્રી ભરતભાઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ખેતી અને ખેતી ઉત્પાદનોની વિગતો નાગરિકો સુધી પહોંચાડે છે. ઉપરાંત વોટ્સએપ બિઝનેસ સેવાના માધ્યમથી પણ પોતાના કૃષિ ઉત્પાદનોનું વેચાણ કરે છે. જેથી હવે તેમના આ કૃષિ ઉત્પાદનો ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ જવા લાગ્યા છે.

શ્રી ભરતભાઈ ચોવટીયાએ પ્રાકૃતિક કૃષિમાં જે નવા આયામો સર કર્યા છે, તેની ભારત અને ગુજરાત સરકારે પણ નોંધ લીધી છે. ૭૯માં સ્વાતંત્ર્ય દિને દિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ભાગ લેવા માટે તેમને ખાસ મહેમાન તરીકે આમંત્રણ પણ મળ્યું છે. તેમાં સહભાગી થવા માટે દિલ્હી રવાના પણ થઈ ચૂક્યા છે.

તેમણે જણાવ્યુ કે, રાસાયણિક કૃષિ અને જંતુનાશક દવાના વધુ પડતા ઉપયોગના પરિણામે કેન્સર સહિતની ગંભીર બિમારીઓનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી જરુરી તો બને છે, તેમ છતાં ખેડૂતોએ કમસેકમ ઘરગથ્થું જરુરિયાત માટે ખેડૂતોએ પોતાના ખેતરના એક નાના ભાગથી પણ પ્રાકૃતિક કૃષિની શરુઆત કરવી જોઈએ. જનઆરોગ્ય માટે હિતકારી આ ગાય આધારિત કૃષિથી આવનારી પેઢીનું સ્વાસ્થ્ય, જમીનની તંદુરસ્તી અને પર્યાવરણનું સંતુલન પણ જળવાઈ રહેશે.

તેમણે એમ પણ કહ્યુ કે, સારા અને સ્વસ્થ આરોગ્યના મૂળમાં ગાય અને ગાય આધારિત કૃષિ છે. આ કૃષિ પદ્ધતિ જ આપણા ભારતની સાચી ઓળખ છે તેમ કહી શકાય. વધુમાં વધુ ખેડુતો આ કૃષિ પદ્ધતિ અપનાવે અને રસાયણમુક્ત કૃષિ પેદાશોને ફરીથી નાગરિકો સુધી પહોંચાડે તે આ સમયની ખાસ જરુરિયાત છે.

શ્રી ભરતભાઈ કોમ્યુનિટી રિસોર્સ પર્સન તરીકે સેવા આપીને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યા છે. તેમણે અમરેલી આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન અને સહયોગ માટે પણ આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાત સરકાર અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અભિયાનને તેજીથી આગળ વધારવા માટે પણ સરાહના કરી હતી.

Related Posts