અમરેલી ખાતે મહિલા હેલ્પલાઇન – ૧૮૧ અને એસ.ટી. ડ્રાઇવરની સતર્કતાના કારણે આત્મહત્યા કરવા નીકળેલી યુવતીનું કાઉન્સેલિંગ કરી તેને સુરક્ષિત પરિવાર સુધી પહોંચાડવામાં આવી હતી.
એક જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા હેલ્પ લાઈન-અભયમ પર ફોન કરી જણાવ્યું હતુ કે, તે પોતે એસ.ટી બસના ડ્રાઈવર છે અને તેમની બસમાં એક અજાણી યુવતી મુસાફરી કરી રહી છે અને આત્મહત્યા કરવા ઘરેથી નીકળી ગઈ છે તેવુ જણાવે છે. જેના પગલે અભયમ મહિલા હેલ્પલાઇન-૧૮૧ના કાઉન્સેલર શ્રી પૂનમબેન ભુવા મહિલા જી. આર. ડીશ્રી વિલાસબેન અને પાઇલોટશ્રી સંજયભાઇ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા, જ્યાં હાજર એસ.ટી. બસના ડ્રાઈવરએ યુવતીને સ્થાનિક પોલિસ સ્ટેશન ખાતે સુરક્ષિત બેસાડી રાખી હતી.
ત્યારબાદ ૧૮૧-મહિલા હેલ્પ લાઇનની ટીમે યુવતી સાથે વાતચીત કરતા યુવતી એ જણાવેલું કે તેમણે ઘણા વર્ષો પહેલા હોમિયોપેથી અભ્યાસક્રમમાં એડમિશન લીધુ હતું. તે સમયે પોતે ખૂબ મહેનત કરી હતી, છતા તેમને ઈચ્છિત પરિણામ ન મળ્યું ત્યારબાદ તેમને ફરીવાર બીજા વર્ષે પણ અથાક મહેનત કરવા છતાં પણ તેમને ઈચ્છિત પરિણામ ન મળતા પોતે ખૂબ હતાશ થઈ ગયા હતા અને પોતે માનસિક બીમારીનો ભોગ બન્યા હતા.
દરમિયાન યુવતીએ આ બાબતે યોગ્ય સારવાર પણ કરાવી હતી. તબીબોએ તેમને ૦૫ વર્ષ સુધી દવા ચાલુ રાખવા જણાવ્યું હતું. પરંતુ તેઓને દવા લેવી ન ગમતી હોવાથી એક વર્ષથી દવા લેવાનું બંધ કર્યું હતું.
તેમના ઘરે તેમજ હાલ જ્યાં નોકરી કરે છે ત્યાં પણ કોઈ તેને કંઈપણ કહે તો તેનાથી તે બાબત સહન થતી નથી અને તેની મહેનત કોઇ જોતું નથી તેવું તેમને લાગ્યાં કરે છે, જેથી જીવવામાં રસ નથી આવું વિચારી ઘરેથી કહ્યા વગર આત્મહત્યા કરવાના વિચારથી તેઓ નીકળી ગયા હતાં. પરંતુ રસ્તામાં જ પોતાના પરિવારની ચિંતા થતા ડ્રાઇવર પાસે પોતાના પરિવાર સાથે સંપર્ક કરવા મદદ માંગી હતી
યુવતીની સમગ્ર વાત સાંભળ્યા બાદ સૌ પ્રથમ યુવતીના પરિવારનો સંપર્ક કરી તેમની દીકરી હાલ સુરક્ષિત છે અને ઘરે જવા માગતી હોવાથી પિતાને તેણીને લેવા માટે બોલાવ્યા હતા. ત્યારબાદ યુવતીની માનસિક સ્થિતિ જોતા તેનું યોગ્ય કાઉન્સેલીંગ કરી ફરી વાર આત્મહત્યાનો વિચાર ન કરવા તેમજ સમયસર સારવાર લેવા સમજાવી રાજી ખુશીથી ઘરે જવા સમજાવવામાં આવ્યા હતા. યુવતીને સુરક્ષિત તેના પિતાને સોંપવા બદલ તેમના પિતાએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનો આભાર માન્યો હતો.



















Recent Comments