ગુજરાત

દિવાળી 2025: સાળંગપુર ધામમાં યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ

બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (20 ઓક્ટોબર) ના રોજ કાળી ચૌદશના પાવન પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હનુમાન દેવતાના વિશેષ પૂજન અને દર્શનનો લાભ લેવા માટે હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા. દાદાને આ દિવસે રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ પહેરાવવામાં આવ્યો હતો, જે દર્શનીય આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં દિવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી, 7:00 કલાકે શણગાર આરતી બાદ 8:00 કલાકે દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે 12:00 કલાકે છપ્પનભોગ અન્નકૂટ આરતી થઈ હતી, જેના દર્શન માટે ભક્તો ભાવવિભોર બન્યા હતા. 12:30 કલાકે વિશાળ યજ્ઞમંડપમાં યોજાયેલા સમૂહ મારુતિ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી, જેમાં હજારો યજમાનશ્રીઓએ ભાગ લીધો હતો. સાંજે 4:00 કલાકે ચોપડા પૂજન (શારદા પૂજન અને લક્ષ્મી પૂજન) પણ કરવામાં આવ્યું હતું.કાળી ચૌદશ નિમિત્તે હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વાળા ‘રામ’ લખેલા વિશેષ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસનને પણ ગુલાબના ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ દિવસે દાદાએ રજવાડી શૈલીનો સુવર્ણ-હીરાજડિત મુગટ ધારણ કર્યો હતો. આ મુગટ 1 કિલો પ્યોર સોનામાંથી મુંબઈમાં તૈયાર થયો છે અને તેમાં 350 કેરેટ લેબ્રોન ડાયમંડનું જડતર છે. 1.3 ફૂટ ઊંચા અને 1.6 ફૂટ પહોળા આ મુગટમાં બે મોટા પોપટની આકૃતિ સાથે ફૂલ, ઝાડ અને કમળની સુંદર ડિઝાઇન અંકિત છે, જે 19 નવેમ્બર, 2023ના રોજ અર્પણ કરાયો હતો.પૂજન-વિધિ દરમિયાન મંગળા આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીએ, જ્યારે શણગાર અને અન્નકૂટ આરતી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)એ કરી હતી. છડી અભિષેક આરતી સ્વામી શુકદેવપ્રસાદદાસજી દ્વારા કરાઈ હતી.મંદિરના વહીવટકર્તા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી સહિતના સંતમંડળે ભક્તો માટે રહેવા, જમવાની, યજ્ઞમંડપની અને પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા કરી હતી. હજારો ભક્તોએ પ્રસાદીમાં પૂરી, બુંદી, મોહનથાળ, દાળ-ભાત, શાક, ખમણ વગેરે પકવાનો તેમજ સવારના ચા-પાણી-નાસ્તાના મહાપ્રસાદનો લાભ લીધો હતો. પ્રત્યક્ષ દર્શનની સાથે સાથે હજારો ભક્તોએ યુટ્યુબ ચેનલના માધ્યમથી ઓનલાઈન પણ આ દિવ્ય દર્શન અને મહોત્સવનો લ્હાવો લીધો હતો. સમગ્ર મહોત્સવનું સંચાલન સંતમંડળ અને પાર્ષદમંડળ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.

Related Posts