ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદનો માર જોવા મળી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે. રાજ્યમાં છેલ્લા 10 કલાકની અંદર 63 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં આશરે 2 ઇંચ વરસાદ થયો છે. અમરેલીમાં અનરાધાર વરસાદી માહોલ છે, ત્યારે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. અમરેલીના રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના અનેક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં આજે 31 ઑક્ટોબરના રોજ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે.અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદથી લોકો પરેશાન છે, ત્યારે ખાંભાના ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. ખાંભાના નાના બારમણ, મોટા બારમણ, ડેડાણ, ત્રાકુડા, ભુડણી સહિતના વિસ્તારમાં ભારે વરસાદી માહોલ છે. ભારે વરસાદના કારણે ખાંભાની ધાતરવડી નદી અને ડેડાણ ગામની અશોકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જાફરાબાદના ટીંબી ગામની રૂપેણ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી છે. ધોધમાર વરસાદને પગલે ધાતરવાડી ડેમ-2માં એક સાથે 10 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેમાં ધાતરવડી ડેમ-2માં 5400 ક્યુસેકથી વધુ પાણીની આવક શરુ થતાં નીચાણવાળા ભચાદર, વડ, રામપરા, ભેરાઇ, ખાખબાઈ, કોવાયા, હિંડોરણા, ઉછેયા સહિતના નદી કાંઠાના ગામડાને ઍલર્ટ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામો ને ઍલર્ટ












Recent Comments