બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન હાલ ભારતમાં આશરો લઈ રહ્યા છે, ત્યારે બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ કોર્ટે આજે શેખ હસીનાને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે. આ ચુકાદના થોડાંક જ કલાકો બાદ બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભારતને પત્ર લખ્યો છે અને શેખ હસીના તેમજ પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલની તાત્કાલિક પ્રત્યાર્પણની ઔપચારિક માંગણી કરી છે. બાંગ્લાદેશી સરકારે પત્રમાં કહ્યું છે કે, ‘બાંગ્લાદેશી આઈસીટીએ માનવતા વિરુદ્ધના અપરાધોના ગુનામાં હસીના અને અસદુઝમાનને મોતની સજા સંભળાવી છે. જો આ ફરાર આરોપીઓને કોઈ દેશ આશરો આપે છે, તો તે દુશ્મનાવટ અને ન્યાયની અવગણના ગણાશે.’ બાંગ્લાદેશી વિદેશ મંત્રાલયે 2013માં થયેલી દ્વિપક્ષીય પ્રત્યાર્પણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, ‘આ સંધિ હેઠળ આ દોષિતોને બાંગ્લાદેશને સોંપવું ભારતનું અનિવાર્ય કર્તવ્ય છે. અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ કે, તેઓ બંનેને તાત્કાલીક બાંગ્લાદેશી અધિકારીઓને સોંપી દે.’બાંગ્લાદેશી આઈસીટીએ શેખ હસીનાને સજા સંભળાવ્યા બાદ ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, ‘એક ગાઢ પાડોશી હોવાના નાતે, અમે બાંગ્લાદેશમાં શાંતિ, લોકશાહી, સમાવેશીતા અને રાજકીય સ્થિરતા સહિત ત્યાંના લોકોના શ્રેષ્ઠ હિતો માટે પ્રતિબદ્ધ છીએ. અમે બાંગ્લાદેશના તમામ હિતધારકો સાથે રચનાત્મક રીતે વાતચીત કરીશું.’ફાંસીની સજા મામલે શેખ હસીનાએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, ‘ટ્રિબ્યુનલે અલોકતાંત્રિક અને પક્ષપાતી રીતે ચુકાદો આપ્યો છે. ટ્રિબ્યુનલ એવી વચગાળાની સરકાર હેઠળ કામ કરી છે, જેને લોકશાહીનો જનાદેશ જ મળ્યો નથી અને તેમના નિર્ણય રાજકીય પ્રેરીત છે. ટ્રિબ્યુનલે મને મોતની સજા સંભળાવી છે, જે સંકેત આપી રહ્યા છે કે, વચગાળાની સરકારના કટ્ટરપંથી તત્વો બાંગ્લાદેશના અંતિમ ચૂંટાયેલા વડાંપ્રધાનને ખતમ કરવા માંગે છે. આ ઉપરાંત તેઓ અમારી પાર્ટી અવામી લીગને પણ ખતમ કરવાનું ષડયંત્ર રચી રહ્યા છે.’ બાંગ્લાદેશના લોકો ડૉ.મોહમ્મદ યુનુસ (Muhammad Yunus)ની આગેવાની હેઠળની વચગાળાની સરકારની અવ્યવસ્થિત, હિંસક અને નબળી કામગીરીનો સામનો કરી રહ્યા છે, તેવા સમયે ત્યાં લોકો સરકારના નાટકીય મુદ્દાઓથી ભ્રમિત નહીં થાય. આઈસીટીએ જે ચુકાદો આપ્યો છે, તે ન્યાય આપવા માટે પણ ન હતો અને જુલાઈ-ઓગસ્ટ 2025ની ઘટનાઓનું સત્ય સામે લાવવા માટે પણ ન હતો. આઈસીટીનો ઉદ્દેશ્ય માત્ર અવામી લીગને બલિનો બકરો બનાવવાનો અને વચગાળાની સરકારની નિષ્ફળતાથી ધ્યાન ભટકાવવાનો હતો.’ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી પૂર્વ વડાંપ્રધાન અને ગૃહમંત્રી પાંચ ઓગસ્ટ-2024થી નવી દિલ્હીમાં આશરો લઈ રહ્યા છે. બાંગ્લાદેશની ICTએ આજે (17 નવેમ્બર) પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અને અસદુઝમાનને ફાંસીની સજા સંભળાવ્યા બાદ દેશમાં ભારે હોબાળો મચ્યો છે. જુલાઈ-ઓગસ્ટ 2024માં વિદ્યાર્થી આંદોલન થયું હતું, જેનો કોર્ટે ઉલ્લેખ કર્યો છે અને હસીના પર માનવાધિકારનો ઉલ્લંધનના અનેક આરોપો લગાવ્યા છે.
કોર્ટે એવું પણ કહ્યું કે, ‘શેખ હસીનાએ શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા લોકો પર બોમ્બ ઝિંકવાનો આદેશ આપ્યો હતો અને તેઓ હજારો લોકોની હત્યાઓની માસ્ટરમાઈન્ડ હતી. આંદોલનમાં 1400 વિદ્યાર્થીઓના મોત થયા હતા અને 24000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.’




















Recent Comments