ગુજરાત

ભારતીય સેના માટે ગુજરાતમાં તૈયાર થશે નવા યુદ્ધ વાહન

ભારતીય સેનાની લડાઈ ક્ષમતામાં વધારો કરે એવું નવું અને શક્તિશાળી વાહન ઉમેરાઈ રહ્યું છે. પર્વતો, બર્ફસ્તાન, જંગલો અને અત્યંત ખરાબ ભૂપૃષ્ઠ પર પણ સહેલાઈથી ચાલી શકે એવા 18 નંગ ‘BvS10’ ઓલ-ટેરેન વાહનોનો ઓર્ડર ભારત સરકારે આપ્યો છે. આ વાહનો બ્રિટિશ સંરક્ષણ દિગ્ગજ BAE સિસ્ટમ્સની ડિઝાઇન પર આધારિત હશે અને ભારતમાં જ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપની દ્વારા નિર્માણ કરવામાં આવશે. આ ડીલ ભારતના ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને વધુ મજબૂત બનાવે છે.લાર્સન એન્ડ ટુબ્રો (L&T) કંપનીએ બુધવારે જાહેરાત કરી હતી કે તેને રક્ષણ મંત્રાલય તરફથી 18 નંગ ઓલ-ટેરેન ‘BvS10’ વાહનોના કોન્ટ્રાક્ટની પ્રાપ્તિ થઈ છે. BAE સિસ્ટમ્સની ટેકનોલોજી ટ્રાન્સફર દ્વારા આ વાહનો ભારતમાં જ બનાવશે. ગુજરાતમાં સુરતની નજીક આવેલા હજીરા ખાતે આ વાહનોનું નિર્માણ કરાશે. ભારતીય સંસ્કરણના આ વાહનને ‘સિંધુ’ નામ આપવામાં આવ્યું છે. આ ડીલ ટેકનોલોજી ટ્રાન્સફર અને ટેકનિકલ સપોર્ટનું પ્રતીક છે, જે ભારતના સંરક્ષણ કાફલાને વધુ મજબૂત બનાવે છે. આ ડીલની કુલ કિંમત હજુ સાર્વજનિક થઈ નથી.BvS-10 વાહનોની ખાસિયત એ છે કે એ સમુદ્ર સપાટીથી 18,000 ફૂટ જેટલી ઊંચાઈના પર્વતીય પ્રદેશોમાં પણ સફળતાપૂર્વક કામ કરી શકે છે. પથરાળ જમીન, કાંટાળા જંગલો, કાદવવાળા વિસ્તારો અને રણ પ્રદેશમાં પણ આ વાહનોને ચાલવામાં કોઈ મુશ્કેલી આવતી નથી. નદી-નાળાં પણ આસાનીથી પાર કરી લે છે. અનેક પ્રકારના આકરા પ્રદેશમાં, દરેક ઋતુમાં કાર્યક્ષમ હોવાથી આ BvS10 વાહનો ઑસ્ટ્રિયા, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, સ્વીડન, યુક્રેન અને યુનાઇટેડ કિંગડમ જેવા ઘણા દેશો દ્વારા પર વપરાઈ રહ્યા છે. BvS10 ‘સિંધુ’ના કોન્ટ્રાક્ટમાં વાહનોના નિર્માણ, જાળવણી અને સંપૂર્ણ લોજિસ્ટિક સપોર્ટ પેકેજ સામેલ છે. તમામ 18 વાહનો સૈનિકોને લઈ જઈ શકાય એ પ્રકારના (ટ્રુપ-કેરીઇંગ) હશે. આ વાહનો મોડ્યુલર ડિઝાઇનના છે, જેનો અર્થ છે કે સેનાની જરૂરિયાત અને મિશન અનુસાર તેમનું રૂપાંતરણ કરી શકાય છે. L&Tના જણાવ્યા મુજબ, સૈનિકોને લઈ જવા ઉપરાંત આ વાહનોનો ઉપયોગ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, એમ્બ્યુલન્સ સેવા, અન્ય સૈન્ય વાહનોની મરામત, લોજિસ્ટિક સપોર્ટ અને સિચ્યુએશનલ અવેરનેસ (પરિસ્થિતિની જાણકારી) માટે પણ થઈ શકશે.BvS-10 વાહનોનું નિર્માણ ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાન અંતર્ગત થવાનું હોવાથી L&T 60 ટકાથી વધુ સ્થાનિક ઘટકોનો ઉપયોગ કરશે. આ ડીલ ભારતની સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓમાં વધારો કરશે અને સાથોસાથ ‘આત્મનિર્ભર ભારત’ના નારાને પણ વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવશે.

Related Posts