રાષ્ટ્રીય

‘કોઈ પણ દેશ પ્રાદેશિક વિસ્તરણ માટે ધમકી કે બળપ્રયોગ ના કરે..’ G20ના સભ્ય દેશોએ ઊઠાવ્યો અવાજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોહાનિસબર્ગમાં G20 શિખર સંમેલન પરથી ફરી એક વખત આતંકવાદ વિરુદ્ધ ભારતના સશક્ત અને સ્પષ્ટ અવાજને દુનિયા સમક્ષ રજૂ કર્યો હતો. તેમણે ડ્રગ્સની દાણચોરી અને આતંકવાદ વચ્ચે વધતા જોખમી નેક્સસને ડામવા G20ની ટીમ બનાવવા તથા વૈશ્વિક સ્વાસ્થ્ય માટે રિસ્પોન્સ ટીમની રચના કરવાના પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વડાપ્રધાનો સાથે બેઠક કરી નવી ત્રીપક્ષીય ટેક્નોલોજી અને ઈનોવેશન ભાગીદારીની જાહેરાત કરી હતી.શનિવારે જ્હોનિસબર્ગમાં20મી વાર્ષિક શિખર સંમેલન બાદ, G20 સભ્ય દેશોએ એક સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ દેશે આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરહદોમાં ફેરફાર કરવા માટે બળ અથવા ધમકીનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આ સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યે વૈશ્વિક પ્રતિબદ્ધતાની સ્પષ્ટ પુષ્ટિ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સંમેલનને સંબોધન કરતા વૈશ્વિક સ્તર પર વિકાસના માપદંડો પર ગંભીરતાથી પુન:વિચાર કરવાનું આહ્વાન કર્યું હતું. ભારતના દર્શનને સંપૂર્ણ માનવતાના કલ્યાણનો માર્ગ બતાવતા પીએમ મોદીએ કહ્યું કે, દુનિયાએ માણસ, સમાજ અને પ્રકૃતિ ત્રણેયને એક એકમ માનીને ચાલવું જોઈએ.

G20 નેતાઓની બેઠકમાં તેમણે પરંપરાગત વૈશ્વિક જ્ઞાનનો એક ભંડાર બનાવવાનું સૂચન કર્યું. તેમણે કહ્યું કે, દુનિયાના અનેક સમુદાયના લોકો આજે પણ પ્રાકૃતિક જીવન જીવે છે. એવામાં G20 હેઠળ એક વૈશ્વિક પરંપરાગત જ્ઞાન ભંડારનું નિર્માણ કરવું જોઈએ, જેના હેઠળ સાંસ્કૃતિક અને પર્યાવરણીય જ્ઞાન આગામી પેઢીઓ સુધી સલામત રીતે પહોંચી શકે.પીએમ મોદીએ દુનિયામાં વધતા ડ્રગ્સ અને આતંકવાદનો પ્રભાવ ઘટાડવા માટે પણ પ્રસ્તાવ આપ્યો. તેમણે ડ્રગ્સ દાણચોરીને દુનિયા માટે મોટો પડકાર ગણાવતા કહ્યું કે ફેન્ટનાઈલ જેવા અત્યંત ખતરનાક પદાર્થોનો પ્રસાર રોકવા માટે ભારત G20 હેઠળ ડ્રગ ટેરર નેક્સસ વિરુદ્ધ એક ટીમ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરે છે.

સાથે જ પીએમ મોદીએ ગ્લોબલ હેલ્થકેર રિસ્પોન્સ ટીમ અંગે પણ પ્રસ્તાવ રજૂ કર્યો. તેમણે કહ્યું કે, મહામારી અને પ્રાકૃતિક આપત્તિઓનો સામનો કરવા માટે આપણે એક સાથે આવવાની જરૂર છે. આ મુદ્દા પર G20 દેશોએ સાથે આવતા હેલ્થકેર રિસ્પોન્સ ટીમ બનાવવી જોઈએ, જેની તૈનાતી કોઈપણ પરિસ્થિતિમાં તુરંત કરી શકાય. તેમણે કહ્યું કે, આપણે સ્વાસ્થ્ય ઈમર્જન્સીની સ્થિતિઓ અને પ્રાકૃતિક આપત્તિઓનો સાથે મળીને સામનો કરીશું ત્યારે જ આપણે મજબૂત થઈ શકીશું. 

આ સિવાય પીએમ મોદીએ આફ્રિકાના વિકાસને પણ વૈશ્વિક વિકાસ સાથે જોડયો હતો. તેમણે કહ્યું કે, દુનિયાના વિકાસ માટે આફ્રિકાનો વિકાસ ખૂબ જ જરૂરી છે. ભારત હંમેશાથી આફ્રિકા સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે. મને ગર્વ છે કે ભારતના G20ના અધ્યક્ષપદે જ આફ્રિકાના સંઘનો G20ના સ્થાયી સભ્ય તરીકે સમાવેશ કરાયો. 

વૈશ્વિક સંસ્થાઓમાં ગ્લોબલ સાઉથના અવાજને વધુ મજબૂતી આપવાની જરૂર છે. તેમણે એવો પણ પ્રસ્તાવ રજૂ કર્યો કે આગામી કેટલાક વર્ષોમાં 10 લાખ આફ્રિકન યુવાનોને ટેક્નોલોજીની દૃષ્ટિએ તાલિમ આપવી જોઈએ, જેઓ આગામી સમયમાં કરોડો સ્કિલ્ડ યુવાનોને તૈયાર કરશે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 શીખર સંમેલનની સાથે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વડાપ્રધાનો સાથે બેઠક કરીને એક નવી ત્રીપક્ષીય ટેક્નોલોજી અને ઈનોવેશન ભાગીદારીની જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ તથા કેનેડાના પીએમ માર્ક કાર્ની સાથે બેઠક પછી પીએમ મોદીએ કહ્યું, આ પહેલી ઊભરતી ટેક્નોલોજીમાં ત્રણ મહાદ્વિપો અને ત્રણ મહાસાગરોમાં લોકતાંત્રિક ભાગીદારો વચ્ચે સહયોગ ગાઢ બનાવશે. પુરવઠા શ્રેણીઓના વૈવિધ્યિકરણ, સ્વચ્છ ઊર્જા અને એઆઈને વ્યાપકરૂપે અપનાવવામાં મદદ કરશે. આ ભાગીદારી વધુ લવચિક વૈશ્વિક ભવિષ્યમાં યોગદાન આપવા માટે બનાવાઈ છે.

Related Posts