પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને લઈને છેલ્લા 24 કલાકથી અટકળો લાગી રહી છે કે જેલમાં જ તેમની હત્યા કરાઈ છે. બીજી તરફ શાહબાઝ સરકાર એવો દાવો કરી રહી છે કે ઈમરાન ખાન તદ્દન સ્વસ્થ છે. જોકે ઈમરાન ખાનનો પરિવાર અને તેમનો સરકારની વાત માનવા તૈયાર નથી. ઈમરાન ખાનનો મુદ્દો આજે પાકિસ્તાનની સંસદમાં પણ ગૂંજ્યો છે. પાકિસ્તાનની નેશનલ ઍસેમ્બલીમાં ઈમરાન ખાનની પાર્ટી તહેરીક-એ-ઈન્સાફના સાંસદ ફૈઝલ જાવેદે કહ્યું છે કે અમારી માંગ છે કે આગામી 24 કલાકમાં ઈમરાન ખાનના પરિવારને તેમની સાથે મુલાકાત કરવા દેવામાં આવે. ઈમરાન ખાનને એકાંત જેલમાં કેમ રાખવામાં આવ્યા છે? તેમણે એ સવાલ પણ કર્યો કે શું કારણ છે કે ઈમરાન ખાનને તેમના પરિવારથી મળવા દેવામાં આવતા નથી? સરકાર શું છુપાવી રહી છે? બીજી તરફ ઈમરાન ખાનની ત્રણ બહેનોનો આરોપ છે કે છેલ્લા ત્રણ સપ્તાહથી તેઓ ઈમરાન ખાનને મળી શક્યા નથી. વકીલને પણ મળવા દેવામાં આવતા નથી. જેના પર પાકિસ્તાનના ગૃહ રાજ્ય મંત્રી તલાલ ચૌધરીએ નિયમોનો હવાલો આપતા પાકિસ્તાનની સંસદમાં હોબાળો થયો હતો જે બાદ કાર્યવાહી સ્થગિત કરી દેવી પડી હતી. ચૌધરીએ કહ્યું છે કે ઈમરાન ખાનને મળવા માટે તેમના નેતાઓ નાટક કરી રહ્યા છે. મુલાકાત કરવી હોય તો નિયમો પાળવા પડશે.નોંધનીય છે કે પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે ઈમરાન ખાનને ઝેર આપી દેવામાં આવ્યું છે. જોકે જેલ તંત્રએ સ્પષ્ટતા આપી છે કે તેઓ સંપૂર્ણ સ્વસ્થ છે અને અદિયાલા જેલમાં જ છે. તેમને ક્યાંય લઈ જવામાં આવ્યા નથી.
નોંધનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન ભ્રષ્ટાચાર કેસમાં વર્ષ 2023ના ઓગસ્ટ મહિનાથી જેલમાં બંધ છે.




















Recent Comments