રાષ્ટ્રીય

‘અમે ચૂપ ના બેસી શકીએ…’, દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, પ્લાન માંગ્યો

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં વધતાં જતાં પ્રદૂષણની આજે (1 ડિસેમ્બર) સુનાવણી કરતી વખતે સરકારની આકરી ઝાટકણી કાઢી પ્રદૂષણ ઘટાડવાનો પ્લાન માંગ્યો છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કોવિડ-19 વખતે દિલ્હીના આકાશની સ્થિતિ અંગેની પણ ટિપ્પણી કરી છે.સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે ચૂપ ના બેસી શકીએ. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકાય છે. અમે કોવિડ-19 વખતે આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું. તે વખતે દિલ્હીના લોકો પ્રદૂષણની અડચણ વગર આકાશમાં તારા જોઈ શકતા હતા. પરાલી સળગાવવાથી પણ પ્રદૂષણ વધ્યું છે, પરંતુ આ મુદ્દાને રાજકીય અને અહંકારની લડાઈ ન બનાવવી જોઈએ. માત્ર પરાલી સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું નથી. અન્ય કારણે વધેલું પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલાં લીધા, તેની માહિતી આપો.’સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અને સરકારને પૂછ્યું છે કે, ‘તમે પ્રદૂષણ ઘટાડવા માટે શું યોજના બનાવી છે? CAQM અને સત્તાવાળાઓએ કમર કસવી જોઈએ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા માટેના પગલાં પર વિચાર કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે જે રીતે યોજનાઓ ચલાવાઈ રહી છે, તેનાથી અમે ચિંતિત છીએ.’સુનાવણી દરમિયાન CAQM કોર્ટને કહ્યું છે કે, અમે હિતધારકોની સલાહ લીધી છે. તો એએસજીએ કોર્ટને કહ્યું કે, અમે તમામ સત્તાવાળાઓ હરિયાણા, પંજાબ, સીપીસીબી વગેરે પર કરેલી કાર્યવાહીનો રિપોર્ટ દાખલ કરી શકીએ છીએ. આ દલીલ બાદ ન્યાયાધીશ સૂર્યકાંતે કહ્યું કે, અમે બેકાર ના બેસી શકીએ, અમે માની પણ ન શકીએ અને અંદાજો પણ ન લગાવી શકીએ. નિષ્ણાતો પાસેથી સમાધાન શોધવું જોઈએ. કોર્ટ પાસે સમાધાન હોઈ શકે છે અને ન પણ હોઈ શકે. પરંતુ અમે નિશ્ચિતરૂપે તમામ હિતધારકોને એક સાથે બેસવા અને વિચારણા કરવા માટે એક મંચ આપી શકીએ.’તમામની દલીલો સાંભળ્યા બાદ સીજેઆઈએ દિલ્હીમાં પરાલી સળગાવવાના કારણ સિવાય પ્રદૂષણ અટકાવવા માટે જે અસરદાર ઉપાયો કરાયા છે, તેનો રિપોર્ટ જમા કરવા CAQMને આદેશ આપ્યો છે. કોર્ટ હવે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરશે.

Related Posts