ગુજરાત

ગુજરાતમાં 891 સિંહ, 2.85 લાખ મોર, યાયાવર પક્ષીઓ 276% વધ્યા, છતાં તેમની સુરક્ષા સામેના પડકારો યથાવત

વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે ગુજરાત રાજ્યે છેલ્લા દોઢ દાયકામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. રાજ્ય સરકારે કુદરતી વનરાજી, ઇકોસિસ્ટમ, અને લુપ્તપ્રાય વનસ્પતિ-પ્રાણીસૃષ્ટિને બચાવવા જે પ્રયાસો કર્યા છે, તેના ફળસ્વરૂપે ગુજરાત પ્રાણીઓ અને યાયાવર પક્ષીઓ માટે વધુ સુરક્ષિત અને પસંદગીનું સ્થળ બની ગયું છે. જોકે, આ સંખ્યાત્મક સફળતાની સમાંતરે સિંહોના અકુદરતી મૃત્યુ અને શિકારના કિસ્સાઓ સંરક્ષણની જમીની હકીકત પર ગંભીર સવાલો ઊભા કરે છે. દર વર્ષે 04 ડિસેમ્બરે વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આવો જાણીએ રાજ્યના વન્યજીવો અને પક્ષીઓની શું છે સ્થિતિ.

વર્ષ 2023ની છેલ્લી વન્યજીવ વસ્તી અંદાજ-ગણતરી મુજબ, ગુજરાતમાં લગભગ 21 પ્રજાતિઓના 9.53 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે, જે રાજ્ય માટે ગૌરવની વાત છે.

પ્રાણી પ્રજાતિઅંદાજિત વસ્તી (2023)
રાષ્ટ્રીય પક્ષી મોર2.85 લાખથી વધુ
નીલગાય2.24 લાખથી વધુ
વાંદરા2 લાખથી વધુ
જંગલી સુવર અને ચિત્તલ1 લાખથી વધુ
કાળીયાર9,170
સાંભર8,221
ચિંકારા6,208
દિપડા2,274
ગીધ2,143

આ સિવાય 9.53 લાખથી વધુ પ્રાણીઓમાં શિયાળ, લોંકડી, વણીયર, ચોશીંગા, નાર/ વરુ, રીંછ અને ભેંકર જેવી પ્રજાતિઓ પણ નોંધાઈ છે.એશિયાટિક સિંહ ગુજરાત અને ભારતની એક વિશેષ ઓળખ છે. સંરક્ષણના નક્કર પગલાંના કારણે સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે:તાજેતરમાં, ગુજરાતના દાહોદમાં આવેલા રતનમહાલ અભયારણ્યમાં વાઘની ઉપસ્થિતિ નોંધાઈ છે, જે રાજ્યના જીવ સંરક્ષણ વારસાની સમૃદ્ધિમાં વધારો કરે છે.યાયાવર પક્ષીઓ માટે ગુજરાત હવે તેમની પહેલી પસંદગીનું રાજ્ય બની રહ્યું છે.

વર્ષ 2024માં રાજ્યના વિવિધ જળ પ્લાવિત વિસ્તાર, તળાવ અને સરોવરોમાં અંદાજે 18 થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છેવર્ષ 2010માં 1.31 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા હતા, જ્યારે વર્ષ 2024માં 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. (276% નો વધારો). આ સિદ્ધિઓ ગુજરાતને પક્ષી જીવન માટે એક આદર્શ સ્થળ તરીકે સ્થાપિત કરે છે.

ડોલ્ફિન: વર્ષ 2024ની ગણતરી મુજબ 680 જેટલી ડોલ્ફિન નોંધાઈ છે.

ઘુડખર (Wild Ass): વસ્તી ગણતરી મુજબ 7,672 જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે.

સંરક્ષણ માટેની વિશેષ પહેલ

વન્યજીવ સંરક્ષણ-સંવર્ધન માટે વન વિભાગ અને સંસ્થાઓ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા સ્તરે વન્યપ્રાણીઓ સંબંધિત મુશ્કેલીઓના નિવારણ અર્થે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે.

વન્યપ્રાણી અને માનવ વચ્ચેના ઘર્ષણ નિવારવા સતત ઉપાયો હાથ ધરવામાં આવી રહ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી આપવામાં આવી છે. આ માટે અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટ કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે.

સિક્કાની બીજી બાજુ: સંરક્ષણની સફળતા પર સવાલો

સિંહોના મોત (અકુદરતી/કુદરતી)

અવારનવાર ટ્રેન અકસ્માત, વીજકરંટ (ખેતીની વાડમાં), અને ખુલ્લા કૂવામાં પડી જવાના કારણે સિંહોના મોત થાય છે. આ અકુદરતી મૃત્યુ સૂચવે છે કે સિંહોનું નિવાસસ્થાન સુરક્ષિત નથી.

માનવ-પ્રાણી સંઘર્ષ    

સિંહ અને દીપડા જેવા પ્રાણીઓ તેમના પરંપરાગત વન વિસ્તારમાંથી બહાર નીકળીને માનવ વસાહતોમાં પ્રવેશે છે. આનાથી સ્થાનિક લોકોના પશુધનનું નુકસાન થાય છે અને લોકોમાં વન્યજીવ પ્રત્યે નકારાત્મક વલણ પેદા થાય છે.

શિકારના કિસ્સાઓ    

શિકારના કિસ્સાઓ પ્રકાશમાં આવવા એ કાયદાના અમલીકરણમાં ખામી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અપૂરતા નિયંત્રણનો સંકેત આપે છે.

રોગચાળો અને જનીની વિવિધતા 

ગીરના જંગલમાં સિંહની આખી વસ્તી માત્ર એક જ વિસ્તારમાં કેન્દ્રિત છે, જેના કારણે રોગચાળો (જેમ કે CDV) ફેલાવવાનું જોખમ ખૂબ વધારે રહે છે. આ વસ્તીની સુરક્ષા માટે મોટો પડકાર છે.

ગુજરાત સરકાર વન્યજીવ સંરક્ષણની કામગીરી સફળતાના આંકડા રજૂ કરે છે, પરંતુ જ્યાં સુધી અકુદરતી મૃત્યુનો દર શૂન્ય ન થાય અને પ્રાણીઓનું નિવાસસ્થાન સંપૂર્ણપણે સુરક્ષિત ન બને, ત્યાં સુધી સંવર્ધનની આ ગાથાને સંપૂર્ણ સફળતા કહી શકાય નહીં. વન્યજીવોની સંખ્યા વધારવા સાથે તેમની સુરક્ષાની ગુણવત્તા જાળવવી એ ગુજરાત માટે સૌથી મોટો પડકાર છે.

Related Posts